સેન્સેક્સ 1500 અંકના ઉછાળા સાથે નવી ટોચે, 83 હજારનું લેવલ ક્રોસ
અમેરિકામાં મોંઘવારીના પગલે ફેડ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી આશાએ નિફ્ટી 500 પોઇન્ટ ઉછળી 25400ને પાર
ભારતીય શેર બજારમાં આજે સુસ્ત શરૂઆત થયા બાદ બપોરે 2-30 વાગ્યાથી જોરદાર તેજી જોવા મળી હતી. બન્ને સુચકઆંક સેન્સેકસ અને નિફટીએ નવા ઓલટાઇમ હાઇ બનાવ્યા હતા. સેન્સેકસમાં 1593 પોઇન્ટનો વધારો નોંધાયો હતો. જયારે નિફટીમાં 515 પોઇન્ટનો વધારો નોંધાયો હતો. રોકાણકારોની સંપતીમાં આશરે 7 લાખ કરોડનો વધારો પણ જોવા મળ્યો હતો.
સેન્સેકસ ગઇકાલના 24918ના બંધ સામે આજે 141 પોઇન્ટ ઉછળીને 25059 પર ખુલ્યો હતો. બપોરે બે વાગ્યા બાદ સેન્સેકસમાં જોરદાર તેજી જોવા મળતા સેન્સેકસ આજે 1593 પોઇન્ટ વધીને 83000નું લેવલ પાર કરીને 83116ના નવા હાઇ સુધી પહોંચી ગયો હતો. નિફટીએ પણ આજે 515 પોઇન્ટના ઉછાળા સાથે 25433નું નવુ ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યું હતું. નિફટીએ આજે 141 પોઇન્ટ ઉછળીને 25059 પર ખુલી હતી. બપોર બાદની તેજીથી નિફટીમાં નવો હાઇ નોંધાયો હતો. આજે બજારમાં સાર્વત્રીક લેવાલી જોવા મળતા ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડ., ઇન્ફોસીસ, લાર્સન એન્ડ ટુબ્રો સહીતની હેવી વેઇટ સ્ક્રિપ્ટોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી.
આજે અમેરિકાના મોંઘવારીના આંકડા જાહેર થતા અમેરિકાની ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થશે તે સમાચાર મળતા શેરબજારને બુસ્ટર ડોઝ મળ્યો હતો અને શેરબજારમાં જબરદસ્ત તેજી છવાઇ ગઇ હતી.