પહેલગામ હુમલાના આરોપીઓના ઘર સુરક્ષાદળોએ ઊડાવી દીધા
આદિલ થોકરના મકાનનો બોંબમારામાં નાશ, આસિફ શેખના ખોરડા પર બુલડોઝર ફર્યૂં
અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં આવેલા પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન થોકરના ઘર પર સુરક્ષા દળોએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આદિલ થોકર ઉર્ફે આદિલ ગુરી તરીકે ઓળખાયેલ આતંકવાદી પર પહેલગામની બૈસારન ખીણમાં 22 એપ્રિલે થયેલા હુમલાની યોજના બનાવવામાં અને તેને અંજામ આપવામાં પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. તે જ સમયે, ત્રાલમાં સ્થિત આ હુમલામાં સામેલ અન્ય સ્થાનિક આતંકવાદી આસિફ શેખના ઘરને જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે બંને સ્થાનિક આતંકવાદીઓની ઓળખ બિજબેહરાના રહેવાસી આદિલ હુસૈન થોકર અને ત્રાલના રહેવાસી આસિફ શેખ તરીકે થઈ છે. આદિલ 2018 માં અટારી-વાઘા બોર્ડર દ્વારા કાયદેસર રીતે પાકિસ્તાન ગયો હતો. પાકિસ્તાનમાં તેના રોકાણ દરમિયાન, તેણે આતંકવાદી કેમ્પમાં તાલીમ મેળવી હતી અને ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીર પાછો ફર્યો હતો.