સતીશ શાહ ટીવી જગતના ઓરિજિનલ કોમેડી કિંગ
હિન્દી ફિલ્મોમાં મોટા ભાગે નાના નાના રોલ છતાં અમીટ છાપ છોડનારા ગોવર્ધન અસરાનીની કાયમી વિદાયનો શોક પતે એ પહેલાં સતીશ શાહ પણ વિદાય થઈ ગયા. ‘જાને ભી દો યારો’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ’હમ આપકે હૈ કૌન’, ’હમ સાથ સાથ હૈ’, ‘મેં હું ના’, ’બીવી હો તો ઐસી’, ’ફના’ સહિતની ફિલ્મો અને ‘યે જો હૈ ઝિંદગી’, ‘ફિલ્મી ચક્કર’ અને ’સારાભાઈ વર્સિસ સારાભાઈ’ જેવી સુપરહિટ કોમેડી ટીવી સિરિયલોમાં યાદગાર ભૂમિકાઓ ભજવનાર સતીશ શાહનું કિડની કામ કરતી બંધ થવાથી 74 વર્ષની વયે નિધન થઈ ગયું. સતીશ શાહે થોડા સમય પહેલાં કોલકાતામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલી અને દોઢ મહિના સુધી કોલકાતા રહ્યા હતા. કિડની સરખી કામ કરતી હતી અને સતીશ શાહ સામાન્ય જિંદગી જીવતા થઈ ગયેલા પણ શનિવારે ખાધા પછી અચાનક પડી ગયા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા એ પહેલાં જ ગુજરી ગયા.
સતીશ શાહના નિધન સાથે ભારતીય મનોરંજન જગતે એક સારો અભિનેતા ગુમાવ્યો છે. સતીશ શાહની ઓળખ એક કોમેડિયન તરીકે સ્થાપિત થઈ કેમ કે તેમણે ફિલ્મો અને ટીવી સિરિયલોમાં યાદગાર કોમેડી રોલ કર્યા, સતીશ શાહે પોતાની કોમેડીથી લોકોનાં દિલમાં સ્થાન મેળવ્યું હતું પણ વાસ્તવમાં તક મળી ત્યારે ગંભીર ભૂમિકાઓ પણ તેમણે સહજ રીતે ભજવી હતી એ જોતાં તેમને માત્ર કોમેડિયનના દાયરામાં સીમિત કરી દેવા તેમની પ્રતિભા સાથે અન્યાય ગણાશે. દેસાઈ, સઈદ મિર્ઝા, અઝીઝ મિર્ઝા જેવા ધુરંધર આર્ટ ફિલ્મ ડિરેક્ટર્સની ફિલ્મોમાં કામ કરેલું. સઈદ મિર્ઝાની ’અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’ (1978), મુઝફ્ફર અલીની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘ગમન’ (1979) અને પછી આવેલી યાદગાર ફિલ્મ ઉમરાવ જાન (1981), સઈદ મિર્ઝાની ‘આલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યોં આતા હૈ’ (1981) સતીશ શાહની શરૂૂઆતની ફિલ્મો હતી.
ગોવિંદ નિહલાનીની ‘અર્ધસત્ય’, ‘મોહન જોશીની હાઝિર હો’માં પણ શાહે કામ કરેલું. 1990ના દાયકામાં તો સતીશ શાહ દરેક મોટા સ્ટારની ફિલ્મમાં હોય જ. શાહરૂૂખ ખાનની સૌથી સફળ ફિલ્મ ’દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં પરમિત શેઠી-મંદિરા બેદીના પિતાની ભૂમિકાએ તેમને જાણીતા કર્યા પણ એ સિવાય આમિર ખાન સાથે ‘અકેલે હમ અકેલે તુમ’, ગોવિંદા સાથે ’સાજન ચલે સસુરાલ’, ’હીરો નંબર-1’, સલમાન ખાન સાથે ’જુડવા’, ’હમ સાથે સાથ હૈ’ વગેરે ફિલ્મોમાં પણ હતા. રીતિક રોશનની પહેલી ફિલ્મ ’કહો ના પ્યાર હૈ’માં પણ સતીશ શાહ હતા. 2000ના દાયકામાં ‘મુઝસે દોસ્તી કરોગે’, ’સાથિયા’, ’ઇશ્ક વિશ્ક’, ’ચલતે ચલતે’, ’કલ હો ના હો’, ‘મેં હું ના’, ‘મસ્તી’, ’ફના’, ’ઓમ શાંતિ ઓમ’, ’રા.વન’ સહિતની સફળ ફિલ્મોમાં સતીશ શાહે કામ કર્યું. નવી પેઢી સતીશ શાહને ’સારાભાઈ વિર્સસ સારાભાઈ’ના ઈન્દ્રવદન ઉર્ફે ઈન્દુ સારાભાઈ તરીકે ઓળખે છે પણ સતિષ શાહ ’સારાભાઈ વર્સિસ સારાભાઈ’ પ્રસારિત થઈ તેના લગભગ બે દાયકા પહેલાં ટીવીના કોમેડી કિંગ તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા અને ટીવી જગતના ઓરિજીનલ કોમેડી કિંગ હતા.
