રેતી કલાકારે 6 ફૂટનું રેત શિલ્પ બનાવી પીએમ મોદીને પાઠવ્યા અનોખા અભિનંદન
પ્રખ્યાત રેતી કલાકાર અને પદ્મ પુરસ્કાર વિજેતા સુદર્શન પટનાયકે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 11 વર્ષના નેતૃત્વ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઓડિશાના પૂરી બીચ પર 11 યર્સ ઓફ મોદી એરા: અ જન સેવકસ જર્ની ટુ બિલ્ડ વિકસિત ભારત (મોદી યુગના 11 વર્ષ: વિકસિત ભારત નિર્માણ માટે એક જન સેવકની યાત્રા) સંદેશ સાથે એક ભવ્ય રેતી શિલ્પ બનાવ્યું હતું. પટનાયકે વડાપ્રધાન મોદીને અભિનંદન આપવા માટે આ છ ફૂટ ઊંચું રેતી શિલ્પ બનાવવા માટે લગભગ પાંચ ટન રેતીનો ઉપયોગ કર્યો હતો.
તેમની રેતી કલા સંસ્થાના વિદ્યાર્થીઓએ પણ તેમને આ શિલ્પ બનાવવામાં મદદ કરી હતી. આ શિલ્પ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને 11 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન. સર, આપે તમારા નેતૃત્વ અને રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાથી ઇતિહાસ રચ્યો છે. વિકસિત ભારતના આપના વિઝનથી અમે સૌ પ્રેરિત છીએ. આ સીમાચિહ્નને સમર્પિત મારી પૂરી બીચ, ઓડિશાની રેતી કલા શેર કરી રહ્યો છું.