સામ પિત્રોડા સામે 150 કરોડની જમીન પચાવી હોવાનો આરોપ
પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહેતા સામ પિત્રોડા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. ભાજપના એક નેતાએ સામ પિત્રોડા પર વન વિભાગના અધિકારીઓ સહિત 5 વરિષ્ઠ સરકારી અધિકારીઓની મદદથી બેંગલુરુના યેલહંકા ખાતે 150 કરોડ રૂૂપિયાની 12.35 એકર સરકારી જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાએ આ મામલે સામ પિત્રોડા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કર્ણાટક લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી છે.
બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકે (BBMP)ના ભૂતપૂર્વ કાઉન્સિલર એન આર રમેશે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે સામ પિત્રોડા ઉર્ફે સત્યનારાયણ ગંગારામ પિત્રોડાએ દાયકાઓ પહેલા 23 ઓક્ટોબર, 1993 ના રોજ મુંબઈમાં સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની ઓફિસમાં ફાઉન્ડેશન ફોર રિવાઇટલાઇઝેશન ઓફ લોકલ હેલ્થ ટ્રેડિશન્સ (ઋછકઇંઝ) નામની સંસ્થાની નોંધણી કરાવી હતી. આ પછી પિત્રોડાની વિનંતી પર વર્ષ 2010 માં મુંબઈમાં FRLHTનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું.
બાદમાં, 2008 માં, તેમણે (પિત્રોડાએ) ફરીથી બેંગલુરુમાં બ્યાતરાયણપુરા સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ફાઉન્ડેશન ફોર રિવાઇટલાઇઝેશન ઓફ લોકલ હેલ્થ ટ્રેડિશનના નામે ટ્રસ્ટ ડીડ નોંધાવી, ભાજપ નેતાએ જણાવ્યું. ફરિયાદ મુજબ રમેશે આરોપ લગાવ્યો કે આ દરમિયાન, સામ પિત્રોડાએ કર્ણાટક રાજ્ય વન વિભાગને ઔષધીય વનસ્પતિઓના સંરક્ષણ અને સંશોધન માટે લીઝ પર અનામત વન વિસ્તાર ફાળવવા વિનંતી કરી.
ભાજપના નેતાની ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે સામ પિત્રોડાની વિનંતી પર 1996માં કર્ણાટક રાજ્ય વન વિભાગ દ્વારા બેંગલુરુમાં યેલહંકા નજીક જરકાબંદે કવલના બી બ્લોકમાં 5 હેક્ટર (12.35 એકર) અનામત વન જમીન 5 વર્ષના લીઝ પર ફાળવવામાં આવી હતી. ભાજપના નેતા રમેશના જણાવ્યા મુજબ, FRLHTને આપવામાં આવેલી શરૂૂઆતની 5 વર્ષની લીઝ 2001 માં સમાપ્ત થઈ ગઈ હોવાથી, કર્ણાટક રાજ્ય વન વિભાગે તેને બીજા 10 વર્ષ માટે લંબાવી. ભાજપના નેતાના જણાવ્યા મુજબ, સામ પિત્રોડાની મુંબઈ સ્થિતFRLHTની લીઝ અવધિ 2 ડિસેમ્બર, 2011 ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી અને તેને લંબાવવામાં આવી ન હતી.