ગ્રામીણ ભારત બંધ: પંજાબ, હરિયાણામાં વધુ અસર
પંજાબમાં ખેડૂતો-મજૂરો કામે ન ગયા: ખાનગી બસ, ટ્રક અને ટ્રેડ યુનિયનો બંધમાં જોડાયા: હરિયાણામાં પરીક્ષા મોકૂફ
ખેડૂત સંગઠનો દ્વારા આજે આપવામાં આવેલા ગ્રામીણ ભારત બંધની પંજાબ અને આસપાસના વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. પંજાબમાં ટ્રક- ખાનગી બસના સંચાલકો બંધમાં જોડાયા છે. ટ્રેડ યુનિયનોએ પણ એલાનને સમર્થન આપ્યું છે. બંધની આડ અસર રૂપે દિલ્હીને જોડતી ગાઝીપુર સરહદે કેટલાક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. પંજાબના ગામડાઓ અને બજારોમાં શાકભાજીનાં પરિવહન પર અસર થતા દિલ્હીના લોકોને વધુ દામ ચુકવવા પડયા હતા.
સંયુક્ત કિસાન મોરચાને ખેડૂતો અને મજુરોને એક દિવસ કામ બંધ રાખવા આહવાન કર્યું છે. મજુરો પણ બંધમાં જોડાતા બાંધકામ ઉદ્યોગને અસર થઇ હતી. બીજી તરફ, દિલ્હીના ખેડૂતોએ આજે ઓચંડી બોર્ડરે દેખાવો કર્યા હતા. ભારતીય કિસાન યુનિયનના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ દલજીતસિંહના દાવા મુજબ દિલ્હીના ખેડુતો બંધના સમર્થનમાં છે.
દરમિયાન ખેડૂતોના આંદોલન અને રસ્તાઓ બંધ થવાને કારણે જારી કરાયેલી એલર્ટને કારણે સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન (ડિસ્ટન્સ એજ્યુકેશન)ના 20 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ રહેલા અભ્યાસક્રમો અને અન્ય અભ્યાસક્રમોની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે પરીક્ષા શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય કિસાન યુનિયન ચદુની જૂથ પણ ખેડૂતોના આંદોલનમાં ઝંપલાવ્યું છે. પંજાબ બોર્ડર પર ઉભેલા ખેડૂતોની સાથે ચદુની જૂથ સાથે જોડાયેલા ખેડૂતો જોવા નહીં મળે, તેમ છતાં તેઓ તેમની માંગણીઓના સમર્થનમાં સતત રસ્તા પર ઉતરશે. આજે રાજ્યના તમામ ટોલ પ્લાઝા પર બપોરે 12 થી 3 વાગ્યા સુધી ટોલ ફ્રી કરવામાં આવ્યા હતા. શનિવારે તહેસીલ કક્ષાએ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે.
સરકાર સાથેની ગઇરાતની મંત્રણા નિષ્ફળ: રવિવારે ફરી વાતચીત
ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને આજે ચોથો દિવસ છે. ગઇરાતે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે આશરે પાંચ કલાક સુધી બેઠક યોજાઈ હતી, જોકે તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. કેન્દ્ર સરકાર અને ખેડૂત યુનિયનો વચ્ચે બેઠક પૂરી થયા બાદ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે આંદોલન શાંતીપૂર્વક રીતે કરવામાં આવશે. અમે કોઈપણ પ્રકારની છેડછાડ કરશું નહીં. અમારી તરફથી કંઈ પણ કરવામાં આવશે નહીં. અમે ખેડૂતોને પણ અપીલ કરી છીએ. સરકારે બેઠક બોલાવી છે, અમે ત્યા સુધી રાહ જોશું. રવિવારે જો કોઈ હકારાત્મક પરિણામ નહીં મળે તો અમે આગળ વધશું. ખેડૂતો સાથેની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાએ કહ્યું કે ખૂબ જ સારા માહોલમાં હકારાત્મક ચર્ચા થઈ છે અને ખેડૂત સંગઠનોએ જે વિષયો પર ધ્યાન આકર્ષિત કરાવ્યું છે તેની નોંધ લેવામાં આવી છે અને હવે વધુ વિસ્તારપૂર્વક આગામી રવિવારે ચર્ચા ફરી આગળ કરવામાં આવશે.