દિલ્હી કેપિટલ્સમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે ઋષભ પંત, ફ્રેન્ચાઈઝીની જાહેરાત
- 15 મહિના બાદ મેદાનમાં પરત ફરશે
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ટૂંક સમયમાં ક્રિકેટની પીચ પર વાપસી કરશે. તે આઈપીએલ 2024 સીઝન દરમિયાન દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.ફ્રેન્ચાઇઝીએ કાલે રાત્રે આ જાહેરાત કરી હતી. પંત ગયા વર્ષે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેના કારણે તે છેલ્લી આઈપીએલ સિઝનમાં રમી શક્યો ન હતો.તેના સ્થાને ડેવિડ વોર્નરે આઈપીએલ 2023માં દિલ્હીની કમાન સંભાળી હતી. હવે પંત 15 મહિના બાદ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે અને તેને ફરી એકવાર ટીમની કમાન સોંપવામાં આવી છે.
દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે, અમને અમારા કેપ્ટન તરીકે પંતનું ફરી એકવાર સ્વાગત કરવામાં આનંદ થાય છે. ગ્રિટ અને નિર્ભયતાએ હંમેશા તેની ક્રિકેટની બ્રાન્ડને વ્યાખ્યાયિત કરી છે. રિકવરી વખતે પણ તેણે આ વાતની સાબિતી આપી હતી. હું તેને મારી ટીમ માટે રમતા જોવા માટે રાહ જોઈ શકતો નથી. અમે નવા ઉત્સાહ અને પ્રેરણા સાથે નવી સિઝનમાં પ્રવેશ કરીશું.પંત 30 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીથી પોતાના ઘરે જતી વખતે કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. તેની ઈજા એટલી ગંભીર હતી કે તેને સારવાર માટે એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો.
ડાબોડી બેટ્સમેન પંત આઈપીએલ 2024 માટે દિલ્હી કેપિટલ્સ પ્રશિક્ષણ શિબિર માટે વિશાખાપટ્ટનમમાં રહ્યો. દિલ્હીની પ્રથમ મેચ 23 માર્ચે પંજાબ કિંગ્સ સામે રમાશે. દિલ્હીના ચાહકો માટે રાહતની વાત છે કે પંત આ ટૂર્નામેન્ટમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમશે. દિલ્હી ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ પણ પંતની તૈયારીથી સંતુષ્ટ છે. તેણે ટીમના પ્રશિક્ષણ શિબિર દરમિયાન પંતને નેટ્સમાં રમતા જોયો અને તેની બેટિંગ જોઈને ખુશ થયો. પોન્ટિંગે કહ્યું, અમે ગયા વર્ષે પંતને ખૂબ મિસ કર્યો હતો. પંત ટીમમાં ઘણી ઉર્જા લાવે છે અને તેના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે. પંત હંમેશાની જેમ બોલને સારી રીતે ફટકારે છે.