અર્થતંત્રમાં દોઢ લાખ કરોડ ઠલવવાની RBIની જાહેરાતથી શેરબજારને બૂસ્ટર ડોઝ
ભારતીય અર્થતંત્રમાં બેન્કીંગ ક્ષેત્રનો મોટો ફાળો હોય છે અને હાલમાં જ ભારતીય બેન્કોમાં લિક્વીડીટીનું લેવલ ઘણું ઘટી ગયું હતું. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્કીંગ સેક્ટરને 1.5 અબજ રૂપિયા જેટલી લિક્વિડીટી ઠાલવવાની જાહેરાત થતાં જ આજે શેરબજારમાં તેજીનો બુસ્ટરડોઝ મળ્યો હતો. આરબીઆઈ દ્વારા ગઈકાલે રાત્રે 60 હજાર કરોડના બોન્ડ ઉપરાંત પાંચ મીલીયન ડોલરની પણ જાહેરાત કરાવમાં આવી છે. જેના કારણે રોકાણકારો આગામી સમયમાં વ્યાજદર પણ ઘટશે તેવું માની રહ્યા છે. પરિણામે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.
ગઈકાલે ભારે ઘટાડા બાદ સેન્સેક્સ 75,366 પર બંધ થયો હતો આજે સવારે 293 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ 75,659 પર ખુલ્યો હતો. સવારે 11 વાગ્યે તેજી સાથે સેન્સેક્સે 76000ની સપાટી વટાવી દીધી હતી. બપોર બાદ આશરે 2:30 વાગ્યે સેન્સેક્સમાં 1146 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જો કે, બાદમાં બપોરે ત્રણ વાગ્યે સેન્સેક્સ ફરી 76000ની નીચે ટ્રેડ થતો હતો. નિફ્ટીમાં પણ આજે સારો ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલે 22,829ના લેવલ પર બંધ થયેલ નિફ્ટી આજે 131 પોઈન્ટ વધીને 22,960 પર ખુલી હતી. બપોરે 2:30 કલાકે નિફ્ટીમાં જોરદાર લેવાલીથી 308 પોઈન્ટનો વધારો નોંધાતા નિફ્ટી 23,137ના હાઈ સુધી પહોંચી હતી.
સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો સુધારો નોંધાયો હોવા છતાં 546 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. જ્યારે 535 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3980 પૈકી 1056 શેર સુધારા તરફી અને 2797 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. પરિણામે સ્ટોક સ્પેસિફિક સુધારાના કારણે માર્કેટ બ્રેડ્થ એકંદરે નેગેટિવ જોવા મળી છે.
સ્મોકકેપ ઈન્ડેક્સ ગઈકાલે 1000 પોઈન્ટથી વધુ તૂટ્યા બાદ આજે વધુ 900 પોઈન્ટ તૂટ્યો છે. અનંતરાજ, પાવર ઈન્ડિયા, અપાર ઈન્ડસ્ટ્રીઝ સહિતના ઘણા સ્મોલકેપ શેર્સ 20 ટકા સુધી તૂટ્યા છે. મીડકેપ શેર્સ પણ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આજે ઓટો, રિયાલ્ટી, અને બેન્કિંગ શેર્સમાં નીચા મથાળેથી ખરીદી વધી છે. આ સિવાય મોટાભાગના સેગમેન્ટમાં માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું છે.