જમીન-મિલકતની ખરીદી-વેચાણ ઓનલાઈન રજિસ્ટર કરી શકાશે
117 વર્ષ જુના રજિસ્ટ્રેશન એકટને ધરમૂળથી બદલવા નવો ડ્રાફ્ટ બહાર પડાયો; વેચાણ કરાર-પાવર ઓફ એટર્ની-સેલ સર્ટિફિકેટ-મોર્ગેજ ડીડ વગેરે ઓનલાઈન અપલોડ કરીને નોંધણી કરવાની સુવિધા
હાલમાં જમીન કે મકાન અથવા બીજી કોઈપણ મિલકતની ખરીદી વેચાણની સંબંધીત કિસ્સામાં સબ રજિસ્ટ્રાર ઓફિસ પર જઈને દસ્તાવેજની નોંધણી કરાવવી પડે છે. પરંતુ હવે સરકાર આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન જ થઈ શકે તેવી તૈયારીઓ કરી રહી છે. સરકારે આ માટે નવું ડ્રાફટ રજીસ્ટ્રેશન બીલ 2025 પણ બહાર પાડી દીધું છે. જેના પર 30 દિવસ સુધી લોકો સુચનો મોકલી શકશે. બાદમાં ચોમાસા સત્રમાં જ આ બિલ સંસદમાં રજુ કરી દેવામાં આવશે અને ટૂંક સમયમાં જ દસ્તાવેજ નોંધણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ભારતમાં હાલમાં રજીસ્ટ્રેશન એકટ 1908 લાગુ છે અને તેના અંતર્ગત અલગ અલગ રાજ્યોમાં કાયદા બનાવીને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે પરંતુ ટેકનોલોજીનો વ્યાપ વધતાં હવે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાનું સરકારે શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારે મિલકતની ઓનલાઈન નોંધણી ફરજિયાત બનાવવા અને દસ્તાવેજોની ડિજિટલ જાળવણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ બિલનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવિત કાયદો 117 વર્ષ જૂના નોંધણી કાયદાનું સ્થાન લેશે. ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગે આ ડ્રાફ્ટ જાહેર અભિપ્રાય માટે બહાર પાડ્યો છે.
હાલનો નોંધણી કાયદો દેશભરમાં લાગુ છે, પરંતુ રાજ્ય સરકારોને તેમાં સુધારો કરવાનો અધિકાર છે. જો કે, આ માટે કેન્દ્ર સાથે પરામર્શ જરૂૂરી છે. ઘણા રાજ્યોએ પહેલાથી જ કાયદામાં સુધારો કરીને ઓનલાઈન નોંધણીને મંજૂરી આપી દીધી છે.
આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ એક વ્યાપક કાયદો લાવવાનો નિર્ણય લીધો છે, જેનો અમલ સમગ્ર દેશમાં એકસરખી રીતે થઈ શકે છે. ડ્રાફ્ટ બિલ હેઠળ, વેચાણ કરાર, પાવર ઓફ એટર્ની, વેચાણ પ્રમાણપત્ર અને સમાન મોર્ટગેજ જેવા દસ્તાવેજોની નોંધણી હવે ફરજિયાત બનાવવામાં આવશે.
સરકારે આધાર આધારિત ચકાસણી પ્રણાલીનો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં નાગરિકોની સંમતિ જરૂૂરી રહેશે. જે લોકો આધાર નંબર શેર કરવા માંગતા નથી તેમના માટે વૈકલ્પિક ચકાસણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ પગલું છેતરપિંડી અને બનાવટી ઘટાડવા તરફ એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. ઉપરાંત, સરકાર ઇલેક્ટ્રોનિક નોંધણી પ્રમાણપત્ર અને રેકોર્ડના ડિજિટલ જાળવણીને મંજૂરી આપવા જઈ રહી છે. હવે દસ્તાવેજોનું ઈ-સબમિશન અને નોંધણી પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી શક્ય બનશે.
સબરજિસ્ટ્રાર ઓફિસમાં લાંબી લાઈનોથી અને રૂબરૂ હાજર રહેવામાં મુક્તિ મળશે
હાલમાં દસ્તાવેજ નોંધણી માટે સબ રજીસ્ટ્રાર ઓફિસમાં અગાઉથી ટોકન મેળવીને લાઈનમાં ઉભુ રહેવું પડે છે. ટોકનમાં પણ મર્યાદીત સ્લોટ હોવાથી અનેક દિવસો સુધી દસ્તાવેજ નોંધણી માટે રાહ જોવી પડે છે. પરંતુ નવો કાયદો લાગુ થવાથી આ સમગ્ર પ્રક્રિયા નીકળી જશે અને વ્યક્તિ પોતે પોતાના આધારકાર્ડ મારફતે દસ્તાવેજને અપલોડ કરીને નોંધણી માટે આપી શકશે. આ ઉપરાંત રૂબરૂ હાજર રહેવા અને સાક્ષીઓને પણ આ પ્રક્રિયામાં ઓનલાઈન સમાવી લેવામાં આવશે. જેને લીધે આ સમગ્ર પ્રક્રિયા સરળ બની જશે.