ચિન્નાસ્વામી સ્ટેડિયમનો વીજ પુરવઠો કાપી નખાયો
ગઇકાલે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. અગ્નિ સલામતીના નિયમોનું પાલન ન કરવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ એ જ સ્ટેડિયમ છે જ્યાં થોડા દિવસો પહેલા આરસીબી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ની જીતની ઉજવણી દરમિયાન મોટી ભીડમાં ભાગદોડ મચી હતી, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બેંગલુરુ વીજળી પુરવઠા કંપની (બેસકોમ) ને 10 જૂને ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના ડિરેક્ટર જનરલ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) ને સ્ટેડિયમમાં જરૂૂરી અગ્નિ સલામતીના પગલાં અમલમાં મૂકવા માટે ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી. કેએસસીએએ આ મામલે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો, પરંતુ સમયમર્યાદા પછી પણ જરૂૂરી સુધારા કરવામાં આવ્યા ન હતા. આ કારણે, વીજ પુરવઠો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાવર કટ પછી સ્ટેડિયમના સંચાલન પર અસર પડી શકે છે. હવે કર્ણાટક ક્રિકેટ એસોસિએશનને આગામી કાર્યક્રમો માટે જરૂૂરી સલામતીનાં પગલાં પૂર્ણ કરવા પડશે. આ કાર્યવાહીને લોકોના જીવનને સુરક્ષિત રાખવા માટે જરૂૂરી અને કડક પગલું માનવામાં આવી રહ્યું છે.