જ્ઞાનવાપીમાં નમાજીઓનો ધસારો: ભોંયરાની છત તૂટી
શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટે જ્ઞાનવાપી સંકુલમાં દક્ષિણ (વ્યાસજી) ભોંયરાના સમારકામ માટે અને પૂજારીઓની સલામતી માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. કાલે ટ્રસ્ટ તરફથી ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એવું જણાવાયું કે નમાજ પઢનારા આવનાર લોકોના દબાણથી ભોંયરાની છતમાંથી પથ્થરનો ટુકડો તૂટીને મૂર્તિઓની બાજુમાં પડ્યો હતો જેને કારણે ગભરાટ ફેલાયો હતો. અરજીમાં ભોંયરાની છત પર નમાજ પઢનારાની અવરવજર બંધ કરવાનું અને છતનું સમારકામ કરવાનું કહ્યું છે.
જ્ઞાનવાપી સાથે જોડાયેલા એક કેસમાં પહેલીવાર કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ કોર્ટમાં પહોંચ્યું છે. વકીલોએ ન્યાયિક કાર્યનો બહિષ્કાર કરવાને કારણે સુનાવણી 19 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી હતી. 31 જાન્યુઆરીએ જિલ્લા ન્યાયાધીશની કોર્ટે વ્યાસજીના પરિવારની અરજી પર બેઝમેન્ટનું બેરિકેડિંગ હટાવી દીધું હતું અને પૂજાની મંજૂરી આપી હતી. ત્યારથી અહીં પૂજા-પાઠ ચાલી રહ્યો છે. વ્યાસજીના પરિવારે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને પૂજાના અધિકાર સોંપ્યા છે.