સોશિયલ મીડિયા, વોટ્સએપ દ્વારા જુઠાણા ફેલાવનારા લોકો વિકૃત માનસ ધરાવે છે
ભારતમાં રાજકારણીઓની માનસિકતા તો હલકી છે જ પણ સામાન્ય લોકો પણ તેમના જેવા થતા જાય છે એવું લાગે છે. કોઈ પણ મુદ્દાને રાજકીય રંગે રંગીને જૂઠાણાં ફેલાવવામાં સામાન્ય લોકોને પણ આનંદ આવતો હોય એવો માહોલ દેશમાં પેદા થઈ રહ્યો છે. આ માનસિક વિકૃત્તિ છે અને તેનું તાજું ઉદાહરણ પાકિસ્તાન માટે જાસૂસી કરીને દેશ સાથે ગદ્દારી કરનારી હરિયાણાની યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો છે. પહેલાં યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ભાજપની ટોપી અને ખેસ પહેરેલી ફેક તસવીરો વાયરલ કરાયેલી અને હવે રાહુલ ગાંધી સાથે જ્યોતિ મલ્હોત્રાના નકલી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જે લોકો આ કોમેન્ટ્સ કરી રહ્યા છે એ લોકો આ તસવીરો મોર્ફ કરેલી અને નકલી છે તેની ખબર નથી કે પછી જાણી જોઈને આ મુદ્દાને ચગાવવાના ષડયંત્રનો એ લોકો પણ ભાગ છે એ આપણને ખબર નથી પણ આ ઘટનાક્રમ દેશમાં કશું સમજ્યા વિના મૂંડી નમાવીને ચાલનારાં ઘેટાંની સંખ્યા વધી રહી હોવાનો પુરાવો છે. કેટલાક મીડિયાએ રાહુલ અને જ્યોતિ મલ્હોત્રાની તસવીરોનું એનાલિસિસ કર્યું છે. આ એનાલિસિસ પ્રમાણે પહેલી તસવીરમાં રાહુલ ગાંધી સાથે દેખાતી છોકરી રાયબરેલી સદરની ધારાસભ્ય અદિતી સિંહ છે. અદિતીના ફોટોમાં તેના ચહેરાને સ્થાને જ્યોતિનો ચહેરો લગાવી દેવાયો છે. આ ફોટા વાયરલ કોણ કરી રહ્યું છે તેની આપણને ખબર નથી. કોઈને કદી ખબર પડવાની પણ નથી કેમ કે રાહુલ ગાંધી કે બીજા કોઈ પક્ષના નેતા સામે સોશિયલ મીડિયા પર ચાલતા કુપ્રચારની કદી તપાસ થતી નથી કે કોઈની ધરપકડ કરાતી નથી. ખેર, એ અલગ મુદ્દો છે પણ મૂળ મુદ્દો લોકોની વિકૃત્ત થઈ રહેલી માનસિકતાનો છે.
જે લોકોના પોતાના સ્વાર્થ છે એ લોકો જૂઠાણાં ફેલાવવા માટે જ્યોતિને ભાજપની સભ્ય પણ બનાવી શકે ને રાહુલ ગાંધીની સાથી પણ ગણાવી શકે પણ લોકો આવી વાતોમાં આવી જાય છે એ ગંભીર બાબત છે.આ જુવાળમાં સોશિયલ મીડિયા પર તુર્કીયેની ચીજોના બહિષ્કારના વીડિયો વાયરલ થઈ ગયા. કઈ કઈ પ્રોડક્ટ તુર્કીયેની છે તેના લિસ્ટ સાથેના વીડિયો કરોડોની સંખ્યામાં ફોરવર્ડ થયા પછી હવે નવો વીડિયો આવ્યો છે કે, જે પ્રોડક્ટ તુર્કીયેનો હોવાનો દાવો કરાયો હતો એ બધી પ્રોડક્ટ તો ઈઝરાયલની છે. ઈઝરાયલે હમાસ પર હુમલો કર્યો પછી તુર્કી સહિતના મુસ્લિમ રાષ્ટ્રોએ ઈઝરાયલની પ્રોડકટ્નો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂૂ કરીને બનાવેલો વીડિયો તુર્કીયેના બહિષ્કારની ઝુંબેશના નામે ફરતો કરી દેવાયો. મતલબ કે, આ દેશના લોકો પાકિસ્તાનને મદદ કરનારા તુર્કીયેના જૂઠાણાને આગળ ધપાવીને આપણા દોસ્ત ઈઝરાયલને નુકસાન કરવાની ઝુંબેશનો ભાગ બની ગયા.આ બહુ મોટો મુદ્દો નથી પણ ક્યારેક ઘેટાંનાં ટોળાં બનવાનું દેશ માટે ખતરનાક સાબિત થઈ શકે તેથી ચેતજો.