પહેલગામ હુમલા બાદ આર્મીની નર્સિંગ વેબસાઇટ પર પાક.નો સાયબર હુમલો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા કડક નિર્ણયોના પગલે, હવે સાયબર મોરચેથી પણ પાકિસ્તાનની હરકત સામે આવી છે. કથિત રીતે, પાકિસ્તાની હેકર ગ્રુપ દ્વારા આર્મી કોલેજ ઓફ નર્સિંગની વેબસાઈટ હેક કરવામાં આવી છે. આ સાયબર હુમલો પહેલગામ હુમલા બાદ ભારતના કડક નિર્ણયોના માત્ર બે દિવસ બાદ થયો છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના ટીમ ઇન્સેન પીકે નામના હેકર જૂથ દ્વારા આર્મી કોલેજ ઓફ નર્સિંગની વેબસાઈટને નિશાન બનાવવામાં આવી હતી. હેકકર્સે વેબસાઈટ પર એક ભડકાઉ સંદેશ લખ્યો હતો, જેમાં અન્ય બાબતોની સાથે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આર્મીના સૂત્રોએ જણાવ્યું કે આર્મી કોલેજ ઓફ નર્સિંગ એક સ્વાયત્ત સંસ્થા છે, જે આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. આ હેકિંગની ઘટના બાદ સંસ્થાએ કોમ્પ્યુટર સુરક્ષા સંબંધિત ઘટનાઓનો જવાબ આપવા માટે રાષ્ટ્રીય નોડલ એજન્સી ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) પાસેથી મદદ લેવી પડશે.
ટીમ ઇન્સેન પીકે હેકર ગ્રુપ પહેલીવાર ચર્ચામાં આવ્યું નથી. આ હેકર ગ્રુપ ભારત સરકાર, કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિતની અનેક વેબસાઈટોને નિશાન બનાવી રહ્યું હોવાનું માનવામાં આવે છે અને તે ભારતીય ઓનલાઈન સ્પેસ પર થયેલા ઘણા સાયબર હુમલા માટે જવાબદાર છે. આ હેકર જૂથે 2023માં ભારતમાં આયોજિત જી-20 સમિટ પહેલા પણ કેટલીક સરકારી વેબસાઈટોને નિશાન બનાવી હતી.