ચાર દિવસમાં 70,000થી વધુ લોકોએ બાબા અમરનાથની યાત્રા કરી: કેદારનાથ યાત્રા સ્થગિત
અમરનાથ યાત્રાને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ છે. છેલ્લા ચાર દિવસમાં 70 હજારથી વધુ યાત્રાળુઓએ અમરનાથ યાત્રા કરી છે, જ્યારે સોમવારે 8,605 યાત્રાળુઓનો બીજો સમૂહ કાશ્મીર ખીણ માટે રવાના થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂૂ થયા પછી, અત્યાર સુધીમાં લગભગ 70 હજાર લોકોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આમાંથી, રવિવારે 21,512 યાત્રાળુઓએ મુલાકાત લીધી છે. આ ઉપરાંત, સોમવારે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી બે સુરક્ષા કાફલામાં 8,605 યાત્રાળુઓનો બીજો સમૂહ કાશ્મીર ખીણ માટે રવાના થયો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલો કાફલો 3,486 યાત્રાળુઓ સાથે ઉત્તર કાશ્મીરના બાલતાલ બેઝ કેમ્પ જઈ રહ્યો છે, જ્યારે બીજો કાફલો દક્ષિણ કાશ્મીરના નુનવાન (પહલગામ) બેઝ કેમ્પમાં 5,119 યાત્રાળુઓ સાથે જઈ રહ્યો છે.
શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસમાં જતા યાત્રાળુઓ ઉપરાંત, યાત્રામાં જોડાવા માટે ઘણા યાત્રાળુઓ સીધા બાલતાલ અને નુનવાન (પહલગામ) પહોંચી રહ્યા છે.
અમરનાથ યાત્રા 3 જુલાઈએ શરૂૂ થઈ હતી અને 38 દિવસ પછી 9 ઓગસ્ટે સમાપ્ત થશે. શ્રી અમરનાથજી યાત્રા યાત્રાળુઓ માટે સૌથી પવિત્ર ધાર્મિક યાત્રાઓમાંની એક છે કારણ કે દંતકથા છે કે ભગવાન શિવે આ ગુફાની અંદર માતા પાર્વતીને શાશ્વત જીવન અને અમરત્વના રહસ્યો પ્રગટ કર્યા હતા. દરમિયાન હિમાચલ અને ઉત્તરાખંડમાં કુદરત તબાહી મચાવી રહી છે. રવિવાર રાતથી ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. અલકનંદા અને મંદાકિની નદીઓ ભયાનક સ્વરૂૂપમાં વહી રહી છે. બદ્રીનાથ અને કેદારનાથ હાઇવે પર પણ ઘણી જગ્યાએ પથ્થરો અને કાટમાળ પડી રહ્યા છે. ટેકરી પરથી ભારે કાટમાળ અને પથ્થરો પડતાં કેદારનાથ હાઇવે પર મુંકટિયા ખાતે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
કેદારનાથ ધામ જતા શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં જ રોકવામાં આવ્યા છે. સિરોબાગઢમાં બદ્રીનાથ હાઇવે બંધ છે. હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદ માટે ચેતવણી જારી કરી છે. ભૂસ્ખલનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
પર્વતોમાં હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી હોય તેવું લાગે છે. વરસાદને કારણે કેદારનાથ ધામ સહિત રુદ્રપ્રયાગ જિલ્લામાં પરિસ્થિતિ અસ્તવ્યસ્ત છે. અલકનંદા અને મંદાકિની નદીઓ પૂરમાં છે.