ઓસ્કારમાં એન્ટ્રી મેળવનાર ‘સંતોષ’ ભારતના સેન્સર બોર્ડમાં અટવાઈ
બ્રિટને પોતાની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ઓસ્કર એવોર્ડ માટે મોકલેલી ભારતીય ફિલ્મ સર્જક સંધ્યા સૂરીની ફિલ્મ ‘સંતોષ’ ભારતમાં સેન્સર બોર્ડમાં અટવાઈ ગઈ છે. આથી આ ફિલ્મ ભારતમાં થિયેટરમાં રીલિઝ થઈ શકશે કે કેમ તે અંગે સવાલ સર્જાયો છે. એક વિધવા મહિલા પોતાના પતિના સ્થાને પોલીસદળમાં નોકરી મેળવે ચે અને કેવી રીતે એક દલિત યુવતીની હત્યા જેવા સેન્સિટિવ કેસને હેન્ડલ કરે છે તેની વાર્તા કહેતી આ ફિલ્મમાં ભારતીય અભિનેત્રી શહાના ગોસ્વામીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
શહાનાએ જણાવ્યું હતું કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાં કટ્સનું એક લાંબુલચક લિસ્ટ પકડાવી દેવાયું છે. આ તમામ કટ્સ કરવા જઈએ તો ફિલ્મનું હાર્દ જ મરી જાય તેમ છે. ફિલ્મની સર્જક સંધ્યા સૂરીએ પણ સેન્સર બોર્ડના વાંધાઓને ભારે નિરાશાજનક ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે અમે આ ફિલ્મમાં જે મુદ્દા ઉઠાવ્યા છે તેના વિશે ભારતમાં બધા જાણે જ છે અને બીજી ફિલ્મોમાં પણ તે વિશે દર્શાવાયું જ છે. આમ છતાં આ ફિલ્મને શા માટે રોકવામાં આવી છે તે સમજાતું નથી.
આ ફિલ્મને દેશ વિદેશમાં ભરપૂર પ્રશંસા મળી છે. મુંબઈમાં પણ તે એક ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ ચૂકી છે. સેન્સર બોર્ડના એક સભ્યના જણાવ્યા અનુસાર સર્જકો એક પણ કટને સ્વીકારવા તૈયાર નથી અને તેના કારણે મડાગાંઠ સર્જાઈ છે.