સાંસદોનો પગાર વધારો નહીં પણ તેમનો ભ્રષ્ટાચાર મોટો બોજ છે
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે સાંસદોના પગારમાં 24 ટકા વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડયું તેના પગલે ટીકાઓનો મારો શરૂૂ થયો છે. કેન્દ્ર સરકારના જાહેરનામા પ્રમાણે, સંસદ સભ્યોને હવે દર મહિને 1.24 લાખ રૂૂપિયાનો પગાર મળશે. પહેલાં તેમને દર મહિને 1 લાખ રૂૂપિયા મળતા હતા. મોદી સરકારે 2018માં દર પાંચ વર્ષે સાંસદોના પગાર અને ભથ્થાંની સમીક્ષા કરવાનો નિયમ બનાવ્યો હતો. મોદી સરકારે સંસદ સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ, 1954 હેઠળ સાંસદોના પગારને ફુગાવાના દર સાથે જોડી દીધો હતો. તેના આધારે દર પાંચ વર્ષે ફુગાવાના દરને આધારે સમીક્ષા કરીને પગાર-ભથ્થાંમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. કોસ્ટ ઇન્ફલેશન ઇન્ડેક્સ (ખર્ચ ફુગાવાનો સૂચકાંક)ના આધારે કરાતી સમીક્ષા 2023માં કરાવાની હતી પણ લોકસભાની ચૂંટણી માથે હોવાથી તેમાં વિપરીત અસર ના પડે એટલે એ વખતે નિર્ણય નહોતો લેવાયો.
હવે નિર્ણય લઈને જાહેરનામું બહાર પડાયું છે તેથી વધેલો પગાર 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. મતલબ કે, આપણા માનનીય સાંસદોન બે વર્ષનું એરીયર્સ પણ મળશે. સાંસદોના પગાર વધારાના કારણે બહુ મોટો બોજ પણ નથી પડવાનો. લોકસભામાં હાલમાં 543 સાંસદ છે જ્યારે રાજ્યસભામાં 245 સાંસદો છે. લોકસભાના તમામ સાંસદોનો મહિને 24 હજારનો પગાર વધારો ગણો તો 1.31 રૂૂપિયા જેવો વધારાનો ખર્ચ દર મહિને પડશે ને દર વર્ષે 15.64 કરોડ રૂૂપિયા સરકારી તિજારીમાંથી વધારાના જશે. રાજ્યસભાના 245 સાંસદનો મહિને 24 હજાર પગાર વધારો ગણો તો મહિને 59 લાખનો બોજો આવે. રાજ્યસભાના સાંસદોના પગારનો વાર્ષિક બોજો 7.66 કરોડ રૂૂપિયા થાય. મતલબ કે, લોકસભા અને રાજ્યસભાના સાંસદો મળીને 788 સાંસદોના પગાર વધારાના કારણે વરસે 24 કરોડ રૂૂપિયા જેવો વધારાનો ખર્ચ થશે. ભારત જેવી મોટી ઈકોનોમી માટે આ ખર્ચ મોટો નથી. આ તમામને એપ્રિલ 2023થી પગાર વધારો આપી દેવાશે, એટલે બે વર્ષના 45.39 કરોડ એરિયર્સ ચૂકવાશે ને આ રકમ પણ મોટી નથી. લોકોને જે અસંતોષ છે તેનું કારણ રાજકારણીઓ દ્વારા કરાતો ભ્રષ્ટાચાર છે. નેતાઓ બંને બાજુથી સરકારી તિજોરીને લૂંટે છે તેનો આ ખાર છે, પણ તેના માટે પ્રજા જવાબદાર છે. ભ્રષ્ટાચાર સામે પ્રજા ચૂપ બેસી રહે છે તેથી નેતાઓને મોકળું મેદાન મળે છે. લોકોએ પગાર વધારાનો નહીં પણ ભ્રષ્ટાચારનો વિરોધ કરવાનો હોય પણ ભ્રષ્ટાચાર સામે ચુપકીદી સધાય છે ને પગાર વધારા સામે ગણગણાટ થાય છે. આ અસંતોષનો ઉપાય નથી કેમ કે પ્રજામાં નેતાઓના ભ્રષ્ટાચારને રોકવાની હિંમત આવવાની નથી.