પૂર્વોત્તર રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી 34નાં મોત
આસામના 19 જિલ્લામાં 3.64 લાખ લોકો પ્રભાવિત; રાહતકાર્ય માટે એરફોર્સ અને સેના ઉતારાઇ, અનેક ઘરો-રસ્તા તૂટી ગયા; હજારો લોકોને રાહત શિબિરમાં ખસેડાયા
દેશના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ પડ્યો છે. તેના કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં રાહત અને બચાવ માટે ભારતીય સેના, વાયુસેના અને આસામ રાઇફલ્સ તૈનાત કરાયા છે.
આસામના 19 જિલ્લાઓના 764 ગામોમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યના લગભગ 3.6 લાખ લોકો પ્રભાવિત થયા છે. રવિવારે વધુ 2 લોકોના મોત સાથે, રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 10 થઈ ગયો છે. ત્રિપુરામાં 10 હજારથી વધુ લોકો પ્રભાવિત છે.
મણિપુરમાં, સેના, આસામ રાઇફલ્સ અને ફાયર સર્વિસે રવિવારે પૂરગ્રસ્ત જિલ્લાઓમાંથી 1,500 થી વધુ લોકોને બચાવ્યા. બચાવ કામગીરીની ઘણી તસવીરોમાં, અધિકારીઓ લોકોને હોડીઓમાં અને તેમની પીઠ પર સલામત સ્થળોએ લઈ જતા જોવા મળ્યા હતા.
30 મેથી સિક્કિમના મંગન જિલ્લાના લાચેન અને લાચુંગમાં એક હજારથી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે. મંગન એસપીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન, પુલ તૂટી પડવા અને તિસ્તા નદીના પાણીના પૂરને કારણે પ્રવાસીઓને બહાર કાઢી શકાયા નથી. સોમવાર સુધીમાં બચાવ કામગીરી શરૂૂ થવાની અપેક્ષા છે.
પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. આસામમાં, બ્રહ્મપુત્ર સહિત 10 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને 15થી વધુ જિલ્લાઓમાં 3.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે.
ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે 1,276 પ્રવાસીઓ ફસાયેલા છે. તેમાંથી બે વિદેશી છે. છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 3,802 લોકો પ્રભાવિત થયા છે અને 883 ઘરોને નુકસાન થયું છે. સિક્કિમના ઉપરના ભાગમાં ભારે વરસાદને કારણે તિસ્તા નદી છલકાઈ ગઈ છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. પરિણામે, લગભગ 1,300 પરિવારોને સલામતી માટે સરકારી રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારો પર નજર રાખી રહી છે.
એમ.પી.-રાજસ્થાનના 80 જિલ્લામાં વરસાદની આગાહી
રાજસ્થાનના 30 જિલ્લાઓ અને મધ્યપ્રદેશના 50 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રવિવારે સાંજે ભારે વાવાઝોડાને કારણે બિહારના વૈશાલીમાં એક ઘર ધરાશાયી થતાં 60 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. રાજ્યના 9 જિલ્લાઓમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.