નહી ઘટે તમારા લોનની EMI,RBIએ સતત 9મી વાર રેપો રેટમાં કોઇ જ ફેરફાર કર્યો નહીં
જે લોકો લોન સસ્તી થવાની અને EMIનું બોજ ઘટાડવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ ફરી એકવાર નિરાશ થયા છે. ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ યથાવત રાખ્યો હતો. આરબીઆઇએ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. RBIએ રેપોરેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે કહ્યું કે સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ ફરી એકવાર રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ફુગાવો હજુ પણ કેન્દ્રીય બેંક માટે સૌથી મોટી ચિંતા છે. આ કારણે જ મોનેટરી પોલિસી કમિટીએ ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડવા માટે વધુ રાહ જોવાની તરફેણમાં છે. RBIની ઓગસ્ટ MPC બેઠક 6 ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી અને આજે પૂરી થઈ હતી. જે બાદ આરબીઆઈ ગવર્નરે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, MPCના 6માંથી 4 સભ્યો રેપો રેટને સ્થિર રાખવાની તરફેણમાં હતા. MPCની આગામી બેઠક ઓક્ટોબર મહિનામાં યોજાશે.
RBIનો આ નિર્ણય એવા લોકોને નિરાશ કરશે જેઓ લાંબા સમયથી લોન સસ્તી થવાની અને EMIનો બોજ હળવો થવાની આશા રાખતા હતા. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. એટલે કે દોઢ વર્ષથી પોલિસી વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. ફેબ્રુઆરી 2023માં યોજાયેલી MPCની બેઠકમાં RBIએ રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો.
નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કર્યા પછી રિઝર્વ બેંકની આ પ્રથમ બેઠક હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગયા મહિને 23 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંકની શક્તિશાળી નાણાકીય નીતિ સમિતિની આ ત્રીજી બેઠક હતી. માત્ર 6 સભ્યો ધરાવતી મોનેટરી પોલિસી કમિટી પોલિસી વ્યાજ દર એટલે કે રેપો રેટ અંગે નિર્ણય લે છે. MPCની આ સતત 9મી બેઠક હતી, જેમાં રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.