ધનખડ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત: ધારાગૃહોના અધ્યક્ષોની સત્તા નવેસરથી પરિભાષિત કરવી જરૂરી
ગૃહની કાર્યવાહી પક્ષપાતી રીતે હાથ ધરવા બદલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હોદ્દા પરથી હટાવવા માટે વિપક્ષે મંગળવારે તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની નોટિસ આપી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને નાસિર હુસૈને રાજ્યસભાના સેક્રેટરી જનરલ પી. સી. મોદીને નોટિસ સુપરત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ તરીકે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ, રાજદ, ટીએમસી, માર્ક્સવાદી પક્ષ, જેએમએમ, આમ આદમી પાર્ટી, દ્રમુક સહિતના વિપક્ષના 60 સાંસદે આ નોટિસ પર સહી કરી હતી.
રાજ્યસભાના અધ્યક્ષ અને વિપક્ષ વચ્ચેના તોફાની સંઘર્ષને પગલે કોંગ્રેસની આગેવાનીમાં આ નોટિસ સુપરત કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવવા બદલ ઈન્ડિયા બ્લોકના તમામ પક્ષ પાસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની નોટિસ સુપરત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની નોટિસ આપવાનું પગલું અમારા માટે પણ પીડાદાયક નિર્ણય હતો, પરંતુ સંસદીય લોકશાહીના હિતમાં અમારે આ પગલું લેવું પડયું હતું, એમ કોંગ્રેસના જનરલ સેક્રેટરી (ઈન્ચાર્જ કમ્યુનિકેશન) જયરામ રમેશે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જણાવ્યું હતું.
ટીએમસીના સાંસદ અને રાજ્યસભામાં વિપક્ષના નાયબ નેતા સાગરિકા ઘોષે કહ્યું હતું કે અનેક સાંસદ દ્વારા સહી કરવામાં આવેલી ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તની નોટિસને મંજૂરી અપાવવા અમારી પાસે જરૂૂરી સંખ્યાનો આંક નથી, પરંતુ સંસદીય લોકશાહીની જાળવણી અને હિત માટે લડવાનો આ મજબૂત સંદેશો છે. આ કોઈ વ્યક્તિ વિરુદ્ધની નહીં, લોકશાહીને બચાવવા માટેની આ લડત છે, એમ તેમણે કહ્યું હતું. વાસ્તવમાં સંસદ વિરોધી રાજયોના પીઠાધિશો સભ્યોને ગેરલાયક ઠરાવવા મુદ્દેથી માંડી અવિશ્ર્વાસની દરખાસ્તો અને ગૃહના સંચાલનના પક્ષપાત દાખવતા જોવા મળ્યા છે. બંધારણ મુજબ અધ્યક્ષ વિશેસાધિકાર ભોગવતા હોવાથી ન્યાયતંત્ર પણ અમુક અંશે લાચાર છે. રાજયપાલો બાબતમાં પણ આવું જ છે. અનેક મામલા સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યા છે. આ જોતા અધ્યક્ષ અને રાજયસભાની સત્તાની લક્ષ્મણરેખા દોરવા બંધારણીય સુધારાનો સમય આવી ગયો છે.