પરમાત્મા,પરમપ્રેમી અને પરમગુરુ સામે કયારેય ખોટુ ન બોલવું: મોરારિબાપુ
નોર્વે ખાતે ચાલી રહેલી રામકથાના આઠમા દિવસે મોરારિબાપુની ભકતોને શીખ
નોર્વે ખાતે ચાલી રહેલી રામકથાના આઠમા દિવસે પ્રારંભે કોઈએ પૂછેલું કે સત્ય પ્રેમ અને કરુણાની વાતો તો વર્ષોથી થાય છે સત્ય બોલવું જ જોઈએ. પણ એવું બતાવો કે જૂઠ-ખોટું ક્યારે અને ક્યાં બોલી શકીએ?
બાપુએ કહ્યું કે આમ તો જૂઠ બોલવું એ કોઈ રીતે સરાહનીય નથી જ.છતાં પણ સાહિત્યમાં કહેવાયું છે કે અમુક જગ્યાએ આપ ખોટું બોલી શકો છો.એમાં: વિનોદ કરતી વખતે,કારણ કે વિનોદમાં અતિશયોક્તિ અલંકાર હોય છે.જેમ કે:લાખો ગાયોનું દાન કર્યું,હજારો માઈલ ઉડ્યો…આ અલંકાર સંસ્કૃતમાં અર્થવાદ તરીકે ઓળખાય છે.ત્યાં આ છૂટ મળી રહે છે.એ જ રીતે લગ્નવિવાહમાં પણ ખોટું બોલવાની છૂટ છે.મિત્રો સાથે પણ ખોટું બોલી શકાય છે.કોઈની જિંદગી બચતી હોય ત્યારે પણ ખોટું બોલવાની છૂટ છે.કોઈ ધર્મસંકટ આવે તો પણ ખોટું બોલવાની છૂટ છે.પણ બાપુએ કહ્યું કે કૃપા કરીને આ ત્રણ જગ્યાએ ક્યારેય ખોટું ન બોલવું: પરમપુરુષ એટલે કે પરમાત્માની સામે,જેની સાથે પરમપ્રેમ હોય ત્યાં અને પરમગુરુ સામે ક્યારેય ખોટું ન બોલવું.
કાગભુષંડી કહે છે:હે ગરુડ!ઘણો જ કળિયુગ ફેલાઈ ગયો હતો.કળિયુગને કારણે દુકાળ પડ્યો.હું ઉજ્જૈન ગયો.જ્યાં મહાકાલનાં મંદિરમાં એક પરમસાધુ મળી ગયા.મેં એની સેવા કરી,પણ મનમાં કપટ સાથે સેવા કરી.હું પોતે પાખંડી નીકળ્યો.એ સાધુએ,એ બ્રાહ્મણે મને શંભુનો મંત્ર આપ્યો,અને વિધિ સાથે એ મંત્ર આપ્યો.પણ હું દંભને સાથે રાખીને એનો જપ કરતો હતો જેને કારણે ઉગ્રબુદ્ધિ થઈ ગયો.ગુરુએ ઘણી કૃપા કરી પણ મારી પાત્રતામાં ખામી નીકળી.એક વખત હરમંદિર-શિવમંદિરમાં દંભથી નામ જપ કરી રહ્યો હતો,મારા ગુરુ આવ્યા,પણ અભિમાનને કારણે હું ઉભો ન થયો.પ્રણામ ન કર્યા.ગુરુએ તો મને માફ કરી દીધો પણ મહાદેવ સહન ન કરી શક્યા. આકાશવાણી થઈ કે તને દંડ નહીં આપું તો શ્રુતિમાર્ગ નષ્ટ થઈ જશે. બાપુએ કહ્યું કે મંદિરમાં પૂજા કરતા હોઇએ અને આપણા સદગુરુ આવે તો પૂજાની વધેલી સામગ્રીથી ગુરુની પૂજા કરવી જોઈએ.
આજે રામકથાની અંદર રામજન્મ પછી બધા જ રાજકુમારનું નામકરણ સંસ્કાર અને પછી વિશ્વામિત્ર સાથે રામ-લક્ષ્મણ વનમાં જાય છે,ત્યાં તાડકાનો ઉદ્ધાર કર્યા બાદ અહલ્યાનાં આશ્રમમાં આવીને અહલ્યાનો ઉધ્ધાર કરે છે એ પ્રસંગ સજળ નેત્રે બાપુએ વર્ણવ્યો.સંક્ષિપ્ત રીતે કથા પ્રસંગોને યાદ કરીને રામ વનવાસ બાદ સિતાહરણ,જટાયુને મુક્તિ બાદ રામ શબરીનાં આશ્રમમાં નવધા ભક્તિનું ગાન,પંપાસરોવર આવી નારદ મિલાપ પછી અરણ્યકાંડનું સમાપન કરીને કિષ્કિંધાકાંડમાં સીતાની શોધ,હનુમાનજીનું રામ સાથે મિલન,સુંદરકાંડમાં સિતાની ખોજનું વર્ણન,હનુમાનજીનું લંકાગમન,લંકાદહન અતિ સંક્ષિપ્ત રીતે વર્ણવીને સુંદરકાંડનાં અંતે સેતુબંધ રામેશ્વરની સ્થાપનાનો પ્રસંગ વર્ણવ્યો.આવતિકાલે રામકથાની પૂર્ણાહૂતિ છે,કથા સવારે નવ વાગે શરુ થશે.