માનવાધિકાર ભંગના અમેરિકી રિપોર્ટને સરકારે ફગાવ્યો
આવા અહેવાલો ખોટી માહિતીના આધારે અને પક્ષપાતી હોય છે: વિદેશ રાજ્યમંત્રીએ બાંગ્લાદેશને પણ અરીસો દેખાડ્યો
કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર ભારતમાં માનવાધિકારની સ્થિતિ વિશે અમેરિકા સહિત વિવિધ વિદેશી સંસ્થાઓ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતા અહેવાલોથી વાકેફ છે. આવા અહેવાલો ઘણીવાર વ્યક્તિલક્ષી, ખોટી માહિતી અને પક્ષપાતી હોવાનું જોવા મળે છે.
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત કહી. તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર તાજેતરના યુએસ કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસના અહેવાલથી વાકેફ છે જેમાં ભારતના માનવાધિકારના રેકોર્ડ પરની ચિંતાઓ, ખાસ કરીને ધાર્મિક સ્વતંત્રતા અને સાંપ્રદાયિક હિંસાના સંદર્ભમાં ચિંતાઓ દર્શાવવામાં આવી છે?
તેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આવા અહેવાલો ઘણીવાર ખોટી માહિતી અને પક્ષપાતી હોય છે. સરકાર વિદેશી સંસ્થાઓના આંતરિક અહેવાલોને ધ્યાનમાં લેતી નથી. ભારત એક જીવંત લોકશાહી છે, જેનું બંધારણ તેના નાગરિકોના મૂળભૂત અધિકારોની ખાતરી આપે છે. એક મજબૂત ન્યાયતંત્ર અને સ્વતંત્ર માધ્યમો આ અધિકારોનો ઉપયોગ સુનિશ્ચિત કરે છે.
કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓથી ચિંતિત છે.હિંદુઓ અને અન્ય લઘુમતીઓના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવું એ બાંગ્લાદેશની વચગાળાની સરકારની પ્રાથમિક જવાબદારી છે. ભારત બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે સંબંધિત સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીની ટિપ્પણી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઢાકાની મુલાકાત લીધી અને વચગાળાની સરકારના ટોચના રાજકીય અધિકારીઓને આ બાબતે નવી દિલ્હીની ચિંતાઓ પહોંચાડ્યાના દિવસો બાદ આવી છે.
ભારતમાં ટૂંકમાં વિશ્ર્વનું બીજું મોટું મેટ્રો નેટવર્ક હશે
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે કહ્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં વિશ્વનું બીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક હશે. હાલમાં દેશમાં 997 કિલોમીટર મેટ્રો રેલનું નિર્માણ ચાલી રહ્યું છે. ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. મનોહર લાલે બુધવારે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે જોડાયેલ સંસદની સલાહકાર સમિતિના સભ્યોને સંબોધિત કર્યા હતા. તેમણે માહિતી આપી હતી કે સરકાર દેશભરમાં શહેરી પરિવહન નેટવર્કને મજબૂત કરવા માટે અથાક પ્રયાસો કરી રહી છે. દેશના 23 શહેરોમાં 993 કિલોમીટર લાંબી મેટ્રો રેલ કાર્યરત છે. જ્યારે 28 શહેરોમાં 997 કિલોમીટરની મેટ્રો રેલ નિર્માણાધીન છે.