ક્રિકેટ રમવાની ભૂખ હોવી જોઇએ, ઇશાન, હાર્દિક પંડ્યા પર રોહિત શર્માનો હુમલો
હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન બન્ને હાલમાં ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. બન્ને ટેસ્ટમાં રમવા માગતા નથી તે જગજાહેર છે. હવે ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ જીત્યાં બાદ કેપ્ટન રોહિત શર્માએ આ બન્ને પર આડકતરું નિશાન સાધ્યું છે. રાંચી ટેસ્ટ જીત્યાં બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા અને ટેસ્ટ ક્રિકેટ ન રમવા માંગતા અને માત્ર આઇપીએલ મોડમાં રહેતા ખેલાડીઓ પર નિશાન સાધ્યું હતું.રોહિતે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે. તેને રમવા માટે તમારી પાસે પેશન હોવી જોઈએ. સરળતાથી ખબર પડી જાય છે કે કોનામાં ભૂખ છે અને કોનામાં નથી. ટેસ્ટ ક્રિકેટમાં ઘણી વધારે મહેનત કરવી પડે છે.
હાલ તો આવા માત્ર બે જ ખેલાડી છે, હાર્દિક પંડ્યા જેણે ટેસ્ટ ક્રિકેટ રમવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, અને બીજો તેનો નવો શિષ્ય ઈશાન કિશન હોય તેમ લાગી રહ્યું છે, જેણે સાઉથ આફ્રિકા પ્રવાસમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. રોહિતનું આ નિવેદન સ્પષ્ટ રીતે હાર્દિક પંડ્યા પર હતું, જે 2018થી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. આ સાથે જ હાલમાં જ પોતાના મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન સાથે દોસ્તી કરતા દેખાતા ઈશાન કિશન પણ હાર્દિકના રસ્તે ચાલ્યો ગયો છે. જે રીતે હાર્દિક રેડ-બોલ ક્રિકેટ રમતો નથી, તે જ રીતે ઇશાન પણ આવું જ કરી રહ્યો છે. ઈશાન કિશને સાઉથ આફ્રિકા પ્રવાસની વચ્ચેથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જે પછી તેણે ટીમ મેનેજમેન્ટના સતત રણજી રમવાના આદેશને પણ નકારી કાઢ્યો. પરંતુ ઈશાન કિશન ઘણી વખત હાર્દિક સાથે અને જિમ સેશનમાં આઈપીએલની તૈયારી કરતો જોવા મળ્યો હતો.