WPL યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને
દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં મુંબઈએ યુપીને 42 રને હરાવ્યું હતું. હરમનપ્રીતની કપ્તાનીમાં મુંબઈએ છેલ્લી મેચમાં હાર બાદ ફરી જીત મેળવી હતી. તો બીજી તરફ યુપીને સતત બીજી મેચમાં હારનો સામનો કરવા પડ્યો હતો. મુંબઈએ યુપીને જીતવા 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે યુપીની ટીમ 118 રન જ બનાવી શકી હતી.કેપ્ટન હરમનપ્રીત કૌરના 33, એમેલિયા કેરના 39 અને નેટ સાયવર બ્રન્ટના 45 રનની મદદથી મુંબઈની ટીમે 20 ઓવરમાં 160 રન ફટકાર્યા હતા. જ્યારે બોલિંગમાં સાયકા ઈશાકે ત્રણ અને નેટ સાયવરે બે વિકેટ ઝડપી હતી. યુપી વોરિયર્સને જીતવા માટે 161 રનનો ટાર્ગેટ હતો, જેની સામે તેમની ટીમ 20 ઓવરમાં 118 રન જ કરી શકી હતી. યુપી તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ચમરી અથપથુ બે અને ગાયકવાડ-દીપ્તિ-સાયમા ઠાકોરે એક-એક વિકેટ લીધી હતી.
હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનની છઠ્ઠી મેચમાં ચોથી જીત મેળવી હતી. છેલ્લી મેચમાં હાર બાદ મુંબઈને ફરી જીત મળી હતી. આ મેચમાં જીતની હીરો નેટ સાયવર બ્રન્ટ રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહોંચી ગયું છે. 6 મેચમાં 4 જીતની મદદથી મુંબઈના 8 પોઈન્ટ છે. જ્યારે યુપી વોરિયર્સની ટીમ મેચમાં હાર સાથે ચોથા સ્થાને છે. પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર ગુજરાત જાયન્ટ્સ છે, જ્યારે ટોપ પર દિલ્હી અને ત્રીજા ક્રમે છઈઇની ટીમ છે.