પહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકો
કોંગ્રેસ વડા મલ્લિકાર્જુન ખડગેએ આજે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના પગલે તેમણે કેન્દ્રશાસિત પ્રદેશની પોતાની મુલાકાત રદ કરી હતી. ખડગેએ કહ્યું કે 22 એપ્રિલે પહેલગામ હુમલો થયો તેના ત્રણ દિવસ પહેલા પીએમને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો.
તેમણે ઉમેર્યું, ગુપ્તચર નિષ્ફળતા છે, સરકારે તેને સ્વીકારી લીધી છે અને તેઓ તેનો ઉકેલ લાવશે. જો તેમને આ ખબર હોત, તો તેઓએ કંઈ કેમ ન કર્યું?...મને માહિતી મળી હતી કે હુમલાના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો, અને તેથી તેમણે કાશ્મીરની મુલાકાત લેવાનો તેમનો કાર્યક્રમ રદ કર્યો હતો, મેં આ એક અખબારમાં પણ વાંચ્યું હતું.
ખડગેએ એમ પણ કહ્યું કે સરકારે સ્વીકાર્યું કે પહેલગામમાં રજા માણી રહેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગોળીબાર કરીને 26 લોકોના મોત નિપજ્યા હતા જેમાં ગુપ્તચર નિષ્ફળતા હતી. તેઓએ કહ્યું હતું કે તેઓ તેમાં સુધારો કરશે. અમારો પ્રશ્ન એ છે કે જ્યારે તમને તેના વિશે ખબર હોય તો પછી સારી વ્યવસ્થા કેમ ન કરવામાં આવી? ખડગેએ પૂછ્યું.