VIDEO: મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 8ના મોત
મહારાષ્ટ્રમાંથી એક મોટા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જેમાં ભંડારા જિલ્લાના જવાહર નગરમાં સ્થિત ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના સી સેક્શનમાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો અને જેમાં આઠ લોકોના મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે અને હજુ આ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બનાવના સમયે 14 કર્મચારીઓ કામ કરતા હોવાનું કહેવાય છે. જેમાંથી ત્રણને બચાવી લેવાયાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
આ વિસ્ફોટ એટલો ભયાનક અને મોટો હતો કે ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ પછી પણ તેની આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. વિસ્ફોટની ફેકટરીની છત તુટી પડી હતી. સ્થાનીક લોકોના કહેવા પ્રમાણે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લોખંડના ટુકડા દુર સુધી પડયા હતા.
આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેના ધમાકાનો અવાજ 5-7 કિમી દૂર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટ સી સેકશનની બિલ્ડિંગ નંબર 23 માં થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ આજે સવારે 11 વાગ્યા આસપાસ થયો હતો પરંતુ તેની જાણ મોડેથી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 26 જાન્યુઆરીએ પણ આ જ ફેકટરીમાં વિસ્ફોટથી 1 કર્મચારીનું મૃત્યુ થયું હતું. વિસ્ફોટના કારણોની તપાસ કરવા ત્રણ સભ્યોની સમિતિ રચી હતી. હવે આ મામલાને લઈને સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ફેક્ટરીમાં બ્લાસ્ટને કારણે મોત થયા છે, પાંચ કર્મચારીઓને પણ બચાવી લેવામાં આવ્યા છે. હવે વરિષ્ઠ અધિકારીઓને મેદાનમાં મોકલવામાં આવ્યા છે, નાગપુરથી બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચવાની છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દુ:ખ વ્યકત કર્યું
ઘટના બાબતે શોક વ્યક્ત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે એકસ પર એક પોસ્ટમાં કહ્યું, મહારાષ્ટ્રના ભંડારા ખાતે ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ વિશે જાણીને ખૂબ જ દુ:ખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. બચાવ ટુકડીઓ સ્થળ પર તૈનાત છે. અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.