જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઈજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા અને 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી વિગતો મુજબ બસ મેંઢર તરફ જઈ રહી હતી ત્યારે ખોડ ધારા નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસ, સેના અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક ખાનગી પેસેન્જર બસ રસ્તા પરથી લપસીને ખાડામાં પડી ગઈ, જેમાં બે લોકોના મોત થયા અને 20 અન્ય ઘાયલ થયા.તેમણે જણાવ્યું કે બસ ઘાની ગામથી મેંધાર જઈ રહી હતી, ત્યારે સવારે લગભગ 9.20 વાગ્યે માનકોટ વિસ્તારના સાંગરા પાસે અકસ્માત થયો. ઘાયલોને બચાવી લેવામાં આવી રહ્યા છે.
આ પહેલા રવિવારે રામબન જિલ્લામાં એક વાહન રસ્તા પરથી પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ત્રણ સૈન્ય જવાનોના મોત થયા હતા. વાહન રસ્તા પરથી લપસીને 700 ફૂટ ઊંડી ખાડામાં પડી ગયું હતું.