હિમાચલ પ્રદેશના ચંબામાં મોટો અકસ્માત: કાર ઊંડી ખીણમાં ખાબકતાં 2 બાળકો સહીત 6 લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના બની છે. ચંબા જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર બેકાબુ થતાં ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયાં છે. . આ અકસ્માત ચુરાહ સબડિવિઝનના ભંજરાડુ-શાહવા-ભડકવાસ રોડ પર થયો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં કુલ છ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં બે પુરુષો, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બધાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કહેવાય છે કે શાહવા નજીક કાર અચાનક બેકાબુ થઈ અને ઊંડી ખીણમાં ખાબકી ગઇ.
સલુનીના DSP રંજન શર્માએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની મદદથી રાત્રે મૃતકોને કોતરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બધા મૃતકો ચંબા જિલ્લાના ચુરાહ સબડિવિઝનના રહેવાસી હતા. આ અકસ્માતમાં કોઈ માનવીય ભૂલ થઈ નથી. મૃતકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ તીસામાં કરવામાં આવશે.
મૃતકોની ઓળખ રાજેશ કુમાર (40), તેમની પત્ની હંસો (36), પુત્રી આરતી (17) અને પુત્ર દીપક (15) તરીકે થઈ છે, જે બધા બુલવાસ જંગરાના રહેવાસી છે. આ ઉપરાંત કારમાં મુસાફરી કરી રહેલા બુલવાસના રહેવાસી રાકેશ કુમાર (44) અને સલાંચા ભંજરાડુના રહેવાસી ડ્રાઈવર હેમપાલ (37)નું પણ મૃત્યુ થયું. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 લોકો એક જ પરિવારના હતા. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
https://x.com/ians_india/status/1953646573076066345
હાલમાં વહીવટીતંત્ર અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'ચંબા જિલ્લાના ટીસાના ચાનવાસમાં કાર અકસ્માતમાં 6 લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ અને પીડાદાયક છે.' મુખ્યમંત્રીએ લખ્યું કે, 'શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માને શાંતિ આપે અને આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારને ધીરજ અને શક્તિ આપે.'