મહારાષ્ટ્ર: બદલાપુરમાં ચાર વર્ષની બે બાળકીઓનું યૌનશોષણ થતાં સ્થાનિકોમાં આક્રોશ, લોકોએ પોલીસ ઉપર કર્યો પથ્થરમારો
મહારાષ્ટ્રના થાણેના બદલાપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક આદર્શ વિદ્યાલયમાં સફાઈ કામદાર દ્વારા ચાર વર્ષની બે બાળકીઓનું યૌન શોષણ કર્યું હતું. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ આજે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકો શાળાના ગેટ પર એકઠા થયા હતા અને શાળાની બેદરકારી સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. શાળા પ્રશાસન દ્વારા કોઈ નક્કર સ્ટેન્ડ ન લેવાતા વાલીઓ નારાજ છે. પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લોકો રેલ્વે ટ્રેક પર ઉતરી આવ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન જ્યારે પોલીસ જવાનોએ ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો.
ટ્રેક પર પ્રદર્શનને કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. રેલવે ટ્રેક પર એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. કારણ કે રોષે ભરાયેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. લોકોએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો. છેડતીનો આ મુદ્દો જોર પકડવા લાગ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ SITનું નેતૃત્વ IG રેન્કના વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહ કરશે. આ ટીમ બદલાપુર કેસની તપાસ કરશે. આ સાથે થાણે પોલીસ કમિશનરને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાનો પ્રસ્તાવ આપવા માટે કહેવામાં આવ્યું છે. જેથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી શકાય.
બદલાપુરમાં રોષે ભરાયેલા હજારો લોકોની ભીડ રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહી હતી. જેના કારણે લોકલ ટ્રેનોની અવરજવર ઠપ થઈ ગઈ છે. મુંબઈથી ઉપડતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને અન્ય રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવી રહી છે. કારણ કે બદલાપુરમાં હજારો લોકો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે અને રેલ રોકો કરીને ઘટનાનો વિરોધ કરી રહ્યા છે.
બદલાપુરની આદર્શ સ્કૂલની સાડા ત્રણ વર્ષની બે વિદ્યાર્થિનીઓ સાથે સફાઈ કર્મચારીઓએ છેડતી કરી હતી. જોકે આરોપી અક્ષય શિંદેની પોલીસે ધરપકડ કરી લીધી છે. આમ છતાં લોકોનો રોષ શમ્યો નથી. વાલીઓ અને સ્થાનિક લોકો શાળામાં તેમના બાળકોની સુરક્ષા અંગે નક્કર કાર્યવાહીની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.