પંજાબના અમૃતસરમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂથી 15 લોકોના મોત: 6ની હાલત ગંભીર
પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મજીઠાના મડઇ ગામ અને ભાગલી ગામમાં બની હતી. આ ઘટના ગઈ કાલે રાત્રે બની હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. મૃતકોના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
અમૃતસરના એસએસપી મનિન્દર સિંહે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે, જ્યારે છ અન્ય લોકોની હાલત ગંભીર છે. એસએસપીએ કહ્યું, "અમને ગઈકાલે રાત્રે લગભગ 9.30 વાગ્યે માહિતી મળી હતી કે ઝેરી દારૂ પીવાથી લોકો મરી રહ્યા છે. અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચાર લોકોની અટકાયત કરી. અમે મુખ્ય સપ્લાયર પ્રભજીત સિંહની ધરપકડ કરી છે."
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન પ્રભજીત સિંહે માસ્ટરમાઇન્ડ સપ્લાયર સાહબ સિંહનું નામ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું, "અમે તેને પણ પકડી લીધો છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેણે કઈ કંપનીઓ પાસેથી આ દારૂ ખરીદ્યો છે."
પોલીસ અધિકારીએ કહ્યું, "અમને પંજાબ સરકાર તરફથી નકલી દારૂના સપ્લાયરો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ મળ્યા છે. દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં દારૂ બનાવનારાઓને પણ પકડી લેવામાં આવશે. કડક કલમો હેઠળ બે FIR નોંધવામાં આવી છે. નાગરિક વહીવટ પણ આમાં સામેલ છે અને અમે ઘરે ઘરે જઈને દારૂ પીનારા લોકોની ઓળખ કરી રહ્યા છીએ, જેથી વધુ લોકોના જીવ બચાવી શકાય. આ ઘટનાથી પાંચ ગામો પ્રભાવિત થયા છે."
સાક્ષી સાહની (ડેપ્યુટી કમિશનર, અમૃતસર) એ ઝેરી દારૂ દુર્ઘટના અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તમામ મૃતકોના પરિવારોને સહાય આપવામાં આવશે. 5 ગામો ઝેરી દારૂથી પ્રભાવિત થયા હોવાના અહેવાલો મળ્યા છે. તમામ ગામોમાં તબીબી ટીમો મોકલવામાં આવી છે. આવી સ્થિતિમાં, જે લોકો ઝેરી દારૂ પીવાના લક્ષણો બતાવી રહ્યા છે તેમની પણ સારવાર કરવામાં આવી રહી છે.
ઝેરી દારૂ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે દારૂ માફિયાઓ સામે કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.