ભાજપમાં કુછ તો ગરબડ હૈ, યોગી-મોદીના વાઇરલ વીડિયોથી રાજકારણ ગરમાયું
દિલ્હીમાં મુખ્યમંત્રીઓની બેઠક દરમિયાનની ઘટના
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો અને તેના કારણે ઉત્તર પ્રદેશ ભાજપમાં સર્જાયેલા વમળ એક મહિના કરતાં વધુ સમય પછી પણ શાંત નથી થઈ રહ્યા. ત્યારે એક વાયરલ વીડિયોએ નવી ચર્ચા છંછેડી હતી.
ભાજપ ઉત્તર પ્રદેશમાં બધું જ સામાન્ય હોવાના અને યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીપદેથી હટાવવાની કોઈ યોજના નહીં હોવાના દાવા કરે છે. પરંતુ નિયમિત સમયાંતરે ભાજપમાં બનતી ઘટનાઓ કંઈક અલગ જ સંકેત આપે છે. દિલ્હીમાં રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પક્ષપ્રમુખ જેપી નડ્ડા સાથે મુખ્યમંત્રીઓનું એક ફોટો સેશન યોજાયું હતું.
એક વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફોટો સેશન સમયે અમિત શાહ અને રાજનાથ સિંહનું આગમન થાય છે ત્યારે બધા નેતાઓ હાથ જોડી નમસ્કાર કરી તેમને આવકારે છે.
પરંતુ યોગી આદિત્યનાથ અમિત શાહને હાથ જોડતા નથી અને તેમની પાછળ આવતા રાજનાથસિંહને હાથ જોડે છે. એટલું જ નહીં પીએમ મોદી આવે છે ત્યારે યોગી તેમને પણ હાથ જોડતા નથી. જોકે એવું નથી જ્યારે આખો વીડિયો જોવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે યોગી આદિત્યનાથ પહેલાથી જ હાથ જોડી ચૂક્યા હતા.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દ્વારા એવો દાવો કરાયો છે કે ઉત્તર પ્રદેશમાં હાલ જોવા મળતી શાંતિ તોફાન પહેલાની હોય તેમ લાગે છે. વધુમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે અમિત શાહ જ નહીં પીએમ મોદીની પણ સામે પડ્યા હોવાના દાવા કરાયા છે. વીડિયો મારફતે ઉત્તર પ્રદેશમાં નજીકના સમયમાં મોટી નવાજૂનીના દાવા પણ કરી દેવાયા હતા.