કેદારનાથના ભાજપ ધારાસભ્ય શૈલારાણી રાવતનું નિધન
ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવત (68)નું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
ધારાસભ્ય શૈલારાણીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજકીય સફરની શરૂૂઆત કરી હતી. તે વર્ષ 2012માં વિધાનસભામાં પહોંચ્યા હતા. હરીશ રાવતની સરકાર દરમિયાન કોંગ્રેસમાં બળવો થયો ત્યારે શૈલરાણી પણ પાર્ટીના 9 વરિષ્ઠ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેદારનાથ સીટ પરથી શૈલારાનીને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. આ પછી, પાર્ટીએ તેમને 2022 માં ફરીથી ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીત્યા.
શૈલારાણી રાવત 2017માં ચૂંટણી પ્રચાર દરમિયાન પડી ગઈ હતી, જેના કારણે તેમને આંતરિક ઈજા થઈ હતી. તેમને કેન્સર પણ થઈ ગયું હતુ. લગભગ ત્રણ વર્ષ સુધી સારવાર બાદ, તે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા અને ફરીથી રાજકારણમાં સક્રિય થયા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શૈલારાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.