કર્ણાટકના ક્રિકેટરનું વિજયની ઉજવણી દરમિયાન એટેકથી મોત
કર્ણાટકના એક ક્રિકેટરનું ક્રિકેટના મેદાનમાં મોત નિપજ્યું. ક્રિકેટના મેદાનમાં વિજયની ઉજવણી ચાલી રહી હતી ત્યારે અચાનક 34 વર્ષીય ક્રિકેટરને દુ:ખાવો ઉપડ્યો. તીવ્ર દુ:ખાવાના કારણે ક્રિકેટર મેદાનમાં જ બેભાન થઈ ઢળી પડ્યો. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં ડોક્ટરે ક્રિકેટરને મૃત જાહેર કર્યો. આ ઘટના બેંગ્લુરુમાં બનવા પામી હતી. બેંગલુરુમાં એજીસ સાઉથ ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટમાં મેદાન પર વિજયની ઉજવણી કરવા દરમ્યાન ક્રિકેટર હોયસલાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. હાર્ટ એટેકને કારણે દુ:ખદ અવસાન થયું હતું. આ ટૂર્નામેન્ટમાં પ્રતિભાશાળી ખેલાડીના અકાળે અવસાનથી દરેકને આઘાત લાગ્યો છે.
મિડલ ઓર્ડર બેટ્સમેન અને બોલર હોયસલાએ અંડર-25 કેટેગરીમાં કર્ણાટક ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે કર્ણાટક પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. બોરિંગ હોસ્પિટલ અને અટલ બિહારી મેડિકલ કોલેજના ડીન ડો. મનોજ કુમારના જણાવ્યા અનુસાર, ક્રિકેટરને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. હોયસાલાનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. અમે પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યું છે અને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.