બટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને આ પરિણામોએ દેશમાં આશ્ચર્ય સર્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામોને આધારે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીની બનેલી મહાવિકાસ આઘાડી (એમવીએ) જીતશે એવી હવા જામેલી હતી પણ પરિણામો તેનાથી બિલકુલ અલગ જ આવ્યાં છે.
લોકસભા ચૂંટણીના પરિણામો પછી એમવીએ રાજ્યમાં સરકાર બનાવવાના દાવા કરતી હતી પણ આ દાવાઓની હવા નિકળી ગઈ છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીની બનેલી મહાવિકાસ આઘાડી (એમવીએ) ક્યાંય રહી ગઈ ને ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની બનેલી મહાયુતિ મેદાન મારી ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાંથી 225 બેઠકો જીતીને ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીએ સપાટો બોલાવી દીધો છે. ભાજપે પણ આશા નહોતી રાખી એવી બંપર જીત તેને મળી ગઈ છે.
મહારાષ્ટ્રમાં ભાજપ કેવી રીતે જીત્યો તેની ચર્ચા ચાલી રહી છે. અલગ અલગ કારણો અપાઈ રહ્યાં છે. આ કારણો જવાબદાર હશે એવું ના કહી શકાય પણ ચૂંટણી પહેલાં કોઈને પણ આ કારણો પરિણામ પર અસર કરશે ને ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીને જીતાડી દેશે એવું નહોતું લાગતું.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ‘બટેંગે તો કટેંગે’ સૂત્રની ખૂબ ચર્ચા થઈ હતી અને આ સૂત્ર ભાજપને નડશે એવા દાવા પણ થતા હતા. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ સૂત્રનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. એવું માનવામાં આવતું હતું કે આ સૂત્ર ભલે હિન્દુઓને એક કરીને ભાજપ તરફ વાળવા માટે અપાયું પણ તેના કારણે ભાજપને નુકસાન થશે.
ભાજપના સાથી પક્ષો જ આવાં સૂત્રો મહારાષ્ટ્રમાં નહીં ચાલે એવું કહેતાં હતાં. આ સૂત્ર અંગે વિવાદ ઊભો થયો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેને નવા સ્વરૂૂપમાં લઈ આવ્યા અને ’એક રહેંગે તો સેફ રહેંગે’ સૂત્ર સાથે આવ્યા. બીજી તરફ જેની ચૂંટણી પહેલાં ચર્ચા પણ નહોતી એવી માઝી લાડલી બહેન કમાલ કરી ગઈ એવું કહેવાય છે. ચૂંટણીના પરિણામો પછી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પોતે સ્વીકાર્યું છે કે, આ યોજના ચૂંટણીમાં તેમના માટે નિર્ણાયક સાબિત થઈ છે. દેવેન્દ્ર ફડણવીસ સહિતના ભાજપના નેતાઓએ પણ આ વાત સ્વીકારી છે. માઝી લાડલી બહેન યોજનાના કારણે ભાજપ સત્તામાં આવ્યો હોય તો તેના કારણે ખુશ થવું જોઈએ. તેના કારણે જ્ઞાતિવાદને પોષતા મરાઠા અનામતના અને કોમવાદને પોષતા બટેંગેં તો કહેંગે જેવા મુદ્દા ન ચાલ્યા એ સારી વાત છે. આપણે ત્યાં છેલ્લા કેટલાક વરસોથી જ્ઞાતિ અને ધર્મની વાતો કરીને જ ચૂંટણીઓ જીતાય છે. આ વખતે પણ એવો પ્રયત્ન થયો જ પણ લોકોએ તેને ના સ્વીકાર્યું ને આર્થિક ફાયદાને વધારે મહત્વ આપ્યું એ સારી વાત છે. જ્ઞાતિ અને ધર્મના મુદ્દાને કાયમી જાકારો નથી મળ્યો પણ એ મુદ્દા હાંસિયામાં ચોક્કસ ધકેલાયા છે.