એક માણસ બીજાને ખેંચે તે અમાનવીય: માથેરાનમાં હાથરિક્ષા પર પ્રતિબંધ મૂકતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે માથેરાનમાં હાથ રિક્ષા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કોર્ટે માનવીય ગૌરવનું સન્માન જાળવી રાખવા આ પગલું ભર્યું છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ ટિપ્પણી કરી કે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ બીજાને ખેંચતો નથી, પરંતુ આજીવિકાના અભાવે આવું કરે છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ઈ-રિક્ષા માટે નીતિ બનાવવા અને ભંડોળના અભાવનું બહાનું ન કાઢવા જણાવ્યું છે. આ નિર્ણય ગુજરાતના કેવડિયા જેવી ઈ-રિક્ષા સિસ્ટમ અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ, જે ત્રણ ન્યાયાધીશોની બેન્ચનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમણે આદેશ આપતા કહ્યું કે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખેંચે છે તે અમાનવીય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રથા માનવીય ગૌરવની વિરુદ્ધ છે અને સામાજિક-આર્થિક ન્યાયના બંધારણીય વચનનું અપમાન છે. કોર્ટે પોતાના ચુકાદામાં 1980 ના આઝાદ રિક્ષા પુલર્સ એસોસિએશન વિરુદ્ધ પંજાબના કેસનો ઉલ્લેખ કર્યો, જેમાં રિક્ષાચાલકોને ગૌરવપૂર્ણ જીવન આપવા માટે ઘણી સૂચનાઓ આપવામાં આવી હતી. આટલા વર્ષો બાદ પણ આ પ્રથા ચાલુ રહે તે દુર્ભાગ્યપૂર્ણ છે.