ઉપરાષ્ટ્રપતિ ધનખડ જાહેર હિતના મુદ્દે ભાજપના નેતા તરીકે વર્તે તે અયોગ્ય
ભારતમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકર સહિતના કેટલાક બંધારણીય હોદ્દા પર બેસનારા લોકો પક્ષાપક્ષીથી પર રહીને વર્તે એવી અપેક્ષા રાખવામાં આવે છે. આ અપેક્ષા પાછળનો ઉદ્દેશ એ છે કે, કોઈ પણ વ્યક્તિ ગમે તે વિચારધારા સાથે જોડાયેલી હોય પણ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકરપદે બેસે પછી એ વિચારધારાના બદલે દેશનું હિત શેમાં છે એ વિશે વિચારે અને એ પ્રમાણે નિર્ણયો લે.
આ ઉદ્દેશ સારો છે પણ કમનસીબે તેનું પાલન થતું નથી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકરપદે બેસનારી વ્યક્તિઓ પોતે જે રાજકીય વિચારધારાની કંઠી બાંધીને બેઠી હોય છે તે છોડી શકતી નથી ને દેશના હિતમાં શું જરૂૂરી છે એ વિચારવાના બદલે પોતાના રાજકીય પક્ષ કે રાજકીય વિચારધારાનું વાજું વગાડીને તેને વફાદાર રહેવા મથ્યા કરે છે. આ માનસિકતા દેશ માટે ઘાતક છે ને તેનું તાજું ઉદાહરણ આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશમાં કેટલાક ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વ્યક્તિઓની પસંદગી કરવા માટેની પેનલમાં દેશના ચીફ જસ્ટિસના સમાવેશ અંગે ઉઠાવેલો વાંધો છે.
ભોપાલમાં નેશનલ જ્યુડિશિયલ એકેડેમીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જ્ઞાન પિરસ્યું કે, સીબીઆઈ ડિરેક્ટર, દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અથવા બીજી કોઈ સંસ્થાઓના વડાની પસંદગી કરનારી પેનલમાં દેશના ચીફ જસ્ટિસ કઈ રીતે હોઈ શકે અને ચીફ જસ્ટિસ કઈ રીતે આ પસંદગીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે એ જ સમજાતું નથી. ધનખડના કહેવા પ્રમાણે, ભારતમાં જ નહીં પણ કોઈપણ લોકશાહી દેશમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સીબીઆઈ ડિરેક્ટરની કે બીજા કોઈ પણ સંસ્થાના વડાની પસંદગીમાં ભાગ લે એ પાછળનો કાનૂની તર્ક જ સમજાતો નથી.
ધનખડના કહેવા પ્રમાણે ન્યાયયંત્રની સક્રિયતા અને ન્યાયતંત્રની સક્રિયતાના અતિરેક વચ્ચેની રેખા પાતળી છે પણ લોકશાહી પર તેની અસર બહુ મોટી પડે છે. ધનખડની વાતનો સાર એ છે કે, સીબીઆઈના ડિરેક્ટરની પસંદગી હોય કે બીજા કોઈ પણ હોદ્દેદારની પસંદગી હોય, બધું સરકાર પર છોડી દેવું જોઈએ અને ચીફ જસ્ટિસ કે બીજા કોઈને પણ આ પ્રક્રિયામાં સામેલ ના કરવા જોઈએ. ધનખડ બોલી રહ્યા છે એ ભાજપ સરકારની ભાષા છે કેમ કે ભાજપ સરકારને સીબીઆઈ હોય, ઈડી હોય કે ચૂંટણી પંચ હોય, પોતાના પાળેલા પોપટોને બેસાડવામાં રસ છે પણ કાયદા તેની આડે આવે છે.