હેલ્મેટના નામે વીમા કંપની કલેમની રકમ ઘટાડી ન શકે: કર્ણાટક હાઇકોર્ટ
દાવેદારને 6,80,200નું વળતર ચૂકવવા આદેશ
જો કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેરીને બાઈક ચલાવતો નથી અને અકસ્માતનો ભોગ બને છે, તો એવામાં વીમા કંપની ગ્રાહકને મળનારી ક્લેમની રકમ ઓછી કરી દે છે. વીમા કંપનીઓનો તર્ક હોય છે કે, બાઈક ચાલકે હેલ્મેટ નહતું પહેર્યું, તેથી ક્લેમ ઓછું કરવામાં આવી રહ્યો છે. જોકે, હવે ઈન્સ્યોરન્સ કંપનીઓ આવું નહીં કરી શકે. હકીકતમાં, કર્ણાટક હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો અકસ્માત માટે બાઇક સવારની ભૂલ નથી, તો વીમા કંપની હેલ્મેટ ન પહેરવાના કારણે ઘાયલ બાઇક સવારને મળતા દાવાની રકમ ઓછી નહીં કરી શકે.
બાઇક એક્સિડન્ટ પર ક્લેમ મળનાર એક મામલામાં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું, હેલ્મેટ પહેરવું સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તે વળતરની રકમ ઘટાડવા માટે એકમાત્ર માપદંડ ન હોવો જોઈએ. મોટર વાહન અકસ્માતોમાં ફાળો આપનાર બેદરકારીનો ખ્યાલ ત્યારે જ ઉદ્દવે છે જ્યારે ઇજાગ્રસ્ત પક્ષની પોતાની બેદરકારી અકસ્માતમાં યોગદાન આપે છે.રામનગર જિલ્લાના સદાથ અલી ખાનની બાઇક 5 માર્ચ, 2016ના રોજ એક સ્પીડમાં આવતી કાર સાથે અથડાઈ હતી. જેમાં તેની મોટરસાઈકલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ખાનને પણ ઘણી ઈજાઓ થઈ હતી. ખાને તેની સારવાર પાછળ રૂૂ. 10 લાખ ખર્ચ્યા બાદ વીમાના દાવા માટે મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલમાં ગયા હતા.
જો કે, ટ્રિબ્યુનલે, 24 સપ્ટેમ્બર, 2020 ના રોજના તેના આદેશમાં, તેને વળતર તરીકે 5.6 લાખ રૂપિયા આપ્યા હતાં, જેમાં કહેવામાં આવ્યું કે, દુર્ઘટનાના સમયે દાવેદારે હેલ્મેટ નહતું પહેર્યું. ખાને આદેશને પડકાર્યો અને હાઈ કોર્ટમાં દલીલ કરી કે, દુર્ઘટના બાદ તે પોતાની 35,000 રૂપિયા દર મહિનાની નોકરી ચાલુ રાખવામાં અસમર્થ હતો. કોર્ટે ખાનને અકસ્માતમાં સામેલ કારના વીમા કંપની દ્વારા ચૂકવવાપાત્ર રૂ. 6,80,200નું વળતર આપ્યું હતું.