વિજયના નિર્ધાર સાથે ભારત-ઈંગ્લેન્ડ ટીમની નેટ પ્રેક્ટિસ
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ગુરૂવારે ખંઢેરી ખાતેના સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. બન્ને ટીમનું રાજકોટમાં આગમન થઈ ચુક્યું છે. અને વિજયના નિર્ધાર સાથે આજે બન્ને ટીમોએ સખત નેટ પ્રેક્ટિસ પણ કરી હતી સમગ્ર રાજકોટમાં ક્રિકેટમય માહોલ છવાયો છે. પાંચ મેચની શ્રેણીમાં બન્ને ટીમો એક એક મેચમાં વિજેતા બની છે. તે જોતા શ્રેણી ઉપર વર્ચસ્વ વધારવા રાજકોટનો ટેસ્ટ મેચ જીતવા બન્ને ટીમો પુરી તાકાત લગાવશે ભારતીય ટીમમાં વિરાટ કોહલીની ગેર હાજરી અને કે.એલ. રાહુલ હજુ ફીટ ન હોવાની અસર પણ જોવા મળશે. ફાસ્ટ બોલર બુમરાહ આજે રાજકોટ પહોંચી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાનુંં રમવું નિશ્ર્ચિત છે આમ છતાંય ટીમ ઈન્ડિયા માટે મુકાબલો આસાન નહીં રહે.આજે ભારતની ટીમે બપોરે અને ઈંગ્લેન્ડની ટીમે સવારે સખત નેટ પ્રેક્ટિસ કરી હતી.
ભરતની જગ્યાએ 23 વર્ષનો બેટ્સમેન રાજકોટ ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાંથી ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આ મેચ સાથે જોડાયેલા ઘણા મોટા અપડેટ્સ સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, એવું માનવામાં આવે છે કે વિકેટકીપર બેટ્સમેન શ્રીકર ભરતને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત છે અને હવે 23 વર્ષીય ધ્રુવ જુરેલને રાજકોટ ટેસ્ટમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ભરતના ખરાબ પ્રદર્શનથી ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટ ખૂબ જ નિરાશ છે. 30 વર્ષીય ભરતે અત્યાર સુધી 7 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 20ની નબળી એવરેજથી માત્ર 221 રન જ બનાવ્યા છે. એ પણ જાણી લો કે આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર માત્ર 44 રન રહ્યો છે, જેના કારણે તે બહાર થઈ જશે તે લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલ ત્રીજી ટેસ્ટમાં વિકેટકીપરની ભૂમિકા ભજવી શકે છે.