રવિન્દ્ર જેન્ટલમેન, અન્ય ખેલાડીઓ વ્યસન કરે છે: રિવાબા
ભારતીય ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજાના વખાણ કરવામાં પત્ની રિવાબાએ અન્ય ખેલાડીઓ પર નિશાન સાધ્યું
ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ એક સામાજિક કાર્યક્રમમાં તેના ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજાના વખાણ કરી ક્ષત્રીય સમાજને તેમાંથી પ્રેરણા લઈ આગળ વધવા અપીલ કરી હતી.
પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોની હાજરીમાં આપેલા પ્રવચનમાં તેમણે ભારતીય ખેલાડીઓ વિદેશ પ્રવાસ દરમિયાન વ્યસનમાં સામેલ હોવાનો ઉલ્લેખ કરતાં તેમના આ નિવેદનની ભારે ચર્ચા શરૂ થઈ છે.
રીવાબાએ તેમના પતિના વખાણ કરતા એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બોલતા કહ્યું કે તેમના પતિ, રવિન્દ્ર જાડેજા ક્રિકેટ રમવા માટે લંડન, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં પ્રવાસ કરે છે. આમ છતાં, તેમણે ક્યારેય કોઈ વ્યસનમાં ડૂબકી લગાવી નથી. મતલબ કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. જ્યારે તેમણે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પર આરોપ લગાવતા કહ્યું કે બાકીના બધા ખેલાડીઓ ખોટા કામોમાં સંડોવાયેલા છે.
જોકે, રીવાબા કયા પ્રકારના ખોટા કામનો ઉલ્લેખ કરી રહ્યા હતાં તેની સ્પષ્ટતા કરી નથી. રીવાબા જાડેજાએ આગળ કહ્યું કે મારા પતિને આ કામ કરવા માટે કોઈ આનાકાની નથી.
જો તે ઈચ્છે તો તે વ્યસન કરી શકે છે, પરંતુ તે એવું કરતા નથી કારણ કે તે પોતાની જવાબદારીઓને સારી રીતે સમજે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા હાલમાં ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા હાલમાં ટેસ્ટ સિરીઝના અભાવે ટીમ ઈન્ડિયાથી દૂર છે.