સૌરવ ગાંગુલીની પત્ની ડોના પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી
ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના પત્ની અને કોલકાતાના જાણીતા ઓડિશી ડાન્સર ડોના ગાંગુલીએ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ અને બોડી શેમિંગને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને આરોપ લગાવ્યો કે, કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમના તાજેતરના પર્ફોર્મન્સ પછી એક ફેસબુક પેજે તેમને સતત ટાર્ગેટ કર્યા અને તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
ડોના ગાંગુલીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ છેલ્લા 45 વર્ષથી વ્યવસાયિક રીતે ઓડિશી નૃત્ય કરી રહ્યા છે અને વિશ્વભરમાં ભારતની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓથી તેમને માત્ર માનસિક રીતે પરેશાની થઈ નથી, પરંતુ તેમની ગરિમા અને પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે. ફરિયાદ મુજબ, સંબંધિત ફેસબુક પેજે તેમના અનેક ફોટા પોસ્ટ કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને બોડી શેમિંગ કરતી અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ડોનાએ પોલીસને પોસ્ટના સ્ક્રીનશોટ અને ફેસબુક પેજ સાથે જોડાયેલા એક મોબાઇલ નંબરની જાણકારી પણ સોંપી છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી દીધી છે.