શેરબજારમાં સટ્ટાખોરી ટાળવા કેપીટલ ગેઇન ટેકસમાં વધારો
લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં 2.5 ટકા, શોર્ટ ટર્મમા 5 ટકા, ડેરિવેટિવ્ઝમાં સીક્યુરિટી ટ્રાન્ઝેકશન ટેકસ 0.02 ટકા કરાયો
નાણા મંત્રી નિર્મલા સીતારમણે શેરબજારની અપેક્ષાની વિરૂૂદ્ધમાં બજેટ જાહેર કરતાં સેન્સેક્સ 1277.76 પોઈન્ટ તૂટી 80000નું લેવલ તોડી 79224.32 પરના બોટમે પહોંચ્યો હતો. નિફ્ટી પણ માંડ માંડ 24000નું લેવલ જાળવવામાં સફળ રહ્યો છે. શેરબજારમાં કડાકા પાછળનું કારણ લોંગ ટર્મ કેપિટલ ગેઈન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન, અને સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સમાં વધારો છે.
શેરબજારના રોકાણકારોને જેનો ભય હતો તે જ દિશામાં કામગીરી કરતાં નાણા મંત્રીએ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકાથી વધારી 12.5 ટકા, જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 15 ટકાથી વધારી 20 ટકા કર્યો છે.નિર્મલા સીતારમણે શોર્ટ ટર્મ ગેઈન ટેક્સ અમુક ચોક્કસ ફાઈનાન્સિયલ એસેટ્સ પર જ વધાર્યો છે. જ્યારે અન્ય તમામ ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ એસેટ્સ પર જૂનો 15 ટકાનો દર લાગુ થશે. બીજી બાજુ તમામ ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ એસેટ્સ પર લોંગ ટર્મ ગેઈન વધારી 12.5 ટકા કર્યો છે. જે 10 ટકા હતો. વધુમાં ડેરિવેટિવ્ઝ પર એસટીટી 0.02 ટકા કરવામાં આવ્યો છે. એફએન્ડઓ પર સીતારમણે નિવેદન આપ્યું હતું કે, એફએન્ડઓમાં વધતા રોકાણ સાથે સટ્ટાકીય પ્રવૃત્તિઓનું પ્રમાણ વધ્યું છે. જે શેરબજાર માટે યોગ્ય નથી. જેની નોંધ લેતાં એફએન્ડઓ પર સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ 0.02 ટકા અને 0.1 ટકા કરવાનો પ્રસ્તાવ છે. વધુમાં શેર્સના બાયબેક પર થતી કમાણી પર પણ ટેક્સ લાગુ કરવામાં આવશે.
હાલ, દેશમાં કેપિટલ ગેઈન ટેક્સ એસેટના પ્રકાર અને તેના હોલ્ડિંગના સમયગાળા પર આધારિત છે. ઈક્વિટી માટે 1 લાખથી વધુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર 10 ટકા ટેક્સ લાગૂ છે, જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન હેઠળ 15 ટકા ટેક્સ લાગૂ થાય છે. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ઓપ્શન્સના વેચાણ પર 0.0625 ટકા એસટીટી લાગૂ થાય છે. જેની ચૂકવણી વેચાણકર્તા કરે છે. ફ્યુચર્સના વેચાણ પર સેલર દ્વારા 0.0125 ટકા ટેક્સ ચૂકવવામાં આવે છે.