સારવારના નામે તાંત્રિકે છોકરીના માથામાં 10 સોય ભોંકીં દીધી
ઓડિશાની ઘટના, તાંત્રિકની ધરપકડ
ઓડિશામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક 19 વર્ષની છોકરી બીમાર હતી. પરિવાર તેને તાંત્રિક પાસે લઈ ગયો હતો. તાંત્રિક યુવતીને એક રૂૂમમાં લઈ ગયો અને તેના માથામાં 10 જેટલી સોય નાખી દીધી હતી, જેના કારણે યુવતીની હાલત ખરાબ થઈ ગઈ હતી. હાલ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.ભીમા ભોઈ મેડિકલ કોલેજમાં 19 વર્ષની છોકરીને દાખલ કરવામાં આવી છે. તબીબો તેની સારવાર કરી રહ્યા છે. તે બોલાંગીર જિલ્લાના સિંધકેલા ગામની રહેવાસી છે. તે છેલ્લા ચાર વર્ષથી બીમાર હતી. પરિવારના સભ્યોએ યુવતીની ઘણી જગ્યાએ સારવાર કરાવી, પરંતુ તેની તબિયતમાં સુધારો ન થયો.
દરમિયાન જમુતઝુલા ગામમાં રહેતાં તાંત્રિક સંતોષ રાણા વિશે કોઈએ પરિવારને જણાવ્યું હતું. પરિવાર યુવતીને તાંત્રિક પાસે લઈ ગયો અને તેને સમસ્યા વિશે જણાવ્યું હતું. તાંત્રિકે યુવતી પર તંત્ર-મંત્ર શરૂૂ કર્યો. આ દરમિયાન યુવતીની હાલત વધુ બગડી હતી.
બાળકીના પિતાનું કહેવું છે કે તાંત્રિક મારી પુત્રીને એક રૂૂમમાં લઈ ગયો અને એક કલાક બાદ બહાર લઈ આવ્યો. અમે જોયું તો દીકરીના માથામાં સોય ફસાઈ ગઈ હતી. છોકરીની પીડા સતત વધી રહી હતી. જ્યારે પરિવારે જોયું તો તેના માથામાંથી આઠ સોય કાઢી લીધી હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેનો સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. બાળકીના માથામાં 10થી વધુ સોય ફસાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
બાળકીના પિતાએ જણાવ્યું કે, જ્યારે તાંત્રિક તંત્ર-મંત્ર કરી રહ્યો હતો ત્યારે બાળકી બેભાન થઈ ગઈ હતી. તે સમયે તેને ખબર ન હતી કે તેની સાથે શું કરવામાં આવ્યું છે. બાળકીની હાલત સતત બગડતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. આ મામલે યુવતીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. આ પછી પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. આ ઘટના અંગે પોલીસ અધિકારીઓ કે આરોપીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.