For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જ્ઞાતિ આધારિત વસતી ગણતરી મામલે સંઘનું નરો વા કુંજરો વા

12:32 PM Sep 04, 2024 IST | admin
જ્ઞાતિ આધારિત વસતી ગણતરી મામલે સંઘનું નરો વા કુંજરો વા

લોકસભાની ચૂંટણી પહેલાંથી દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ગાજી રહ્યો છે અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની ઘસીને ના પાડી ચૂકી છે ત્યારે ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપની હાલત કફોડી કરી નાખી છે.

Advertisement

કેરળના પલક્કડમાં સંઘ પરિવારનાં સંગઠનોની સમન્વય બેઠક મળેલી. આ સમન્વય બેઠકના સમાપન પછી સંઘે ગોળ ગોળ વાતો કરવાની ને કોઈ પણ મુદ્દે સ્પષ્ટ વલણ નહીં લેવાની પરંપરાને જાળવીને એક તરફ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને ટેકો આપીને કહ્યું છે કે, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉપયોગ કલ્યાણકારી હેતુઓ માટે કરી શકાય છે તેથી તેના વિશે વિચારવું જોઈએ. બીજી તરફ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને દેશની એકતા અને અખંડિતતા માટે જોખમી પણ ગણાવી છે.

સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે, હિંદુ ધર્મ માટે જ્ઞાતિ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે તેથી ચૂંટણીથી પર ઊઠીને આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. કોઈના વિકાસ માટે જરૂૂરી હોય તો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ પણ માત્ર રાજકીય લાભ લેવા ખાતર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી ના કરી શકાય. આંબેકરે કરેલી વાતોના કારણે ભાજપ તો મૂંઝાઈ જ ગયો છે પણ સંઘના સમર્થકો પણ ગોટે ચડી ગયા છે કેમ કે સંઘે ફોડ પાડીને જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવી જ જોઈએ એવું કહ્યું નથી ને ના કરાવવી જોઈએ એવું પણ કહ્યું નથી. સંઘના કહેવા પ્રમાણે, જ્ઞાતિ આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે.

Advertisement

અલબત્ત લોકહિત, લોકકલ્યાણ યોજનાઓ બનાવવા માટે જ્ઞાતિવાર વસતી જાણવા માટે સરકારને તેમની ગણતરી કરાવવાનો અધિકાર છે.ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરી શકાય છે. સંઘનું નિવેદન એ વાતનો પુરાવો છે કે, સંઘ તેની આદત પ્રમાણે કોઈ પણ મુદ્દે તડ ને ફડ કરીને સ્પષ્ટ નિર્ણય લેવાની મર્દાનગી હજુ કેળવી શક્યો નથી સંઘમાં ઓબીસીને નારાજ કરવાની હિંમત નથી તેથી તેણે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દાને દલિતોની વસતી જાણવા સાથે જોડી દીધો.

વાસ્તવમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને દલિતો સાથે કંઈ લેવાદેવા જ નથી, બલ્કે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સાથે આ મુદ્દો જોડાયેલો છે. ભારતમાં જે વસતી ગણતરી થાય છે તેમાં દલિતો અને આદિવાસીઓની અલગથી ગણતરી થાય જ છે. સંઘ સાથે જોડાયેલા કાર્યકરોમાં સવર્ણોનું પ્રમાણ વધારે છે પણ ઓબીસી સ્વયંસેવકોની સંખ્યા પણ નાની નથી. સંઘ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો વિરોધ કરવા જાય તો ઓબીસી નારાજ થઈ જાય એટલે દૂધ ને દહીં બંનેમાં પગ રાખવા દલિતોના નામે નિવેદન ફટકારી દીધું. તેનું સીધું અર્થઘટન એ જ થયું કે, સંઘ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની તરફેણ કરે છે. આ અર્થઘટન ખોટું પણ નથી કેમ કે સંઘ વસતી આધારિત વસતી ગણતરીનો વિરોધ પણ ક્યાં કરે છે ? કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલાં આ મુદ્દો ઉપાડી લઈ દેશભરમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી હતી. આ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આધારે એસસી, એસટી અને ઓબીસી માટે અનામત વધારવાનું વચન પણ રાહુલ ગાંધીએ આપ્યું છે. ટૂંકમાં આ મુદ્દો કોંગ્રેસનો છે અને હવે સંઘના કારણે ભાજપ તેને સ્વીકારે તો ભાજપ માટે થૂંકેલું ચાટ્યા જેવી હાલત થાય તેથી ભાજપની હાલત કફોડી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement