કેજરીવાલની ધરપકડ મામલે અમેરિકા, જર્મનીની ફાંકા ફોજદારી હાસ્યાસ્પદ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને લગતી બે મહત્ત્વની ઘટના ગુરુવારે બની. લિકર એક્સાઈઝ કેસમાં જેલભેગા કરી દેવાયા છે ત્યારે કેજરીવાલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું ધરી દેવું જોઈએ એવી જાહેર હિતની અરજી થયેલી પણ હાઈ કોર્ટે એ અરજી ફગાવી દીધી. બીજી ઘટનામાં કેજરીવાલના ઈડીના રિમાન્ડ પૂરા થતાં બીજા ચાર દિવસના રિમાન્ડ આપી દેવાયા. પહેલી ઘટનામાં યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે નિવેદન આપ્યું કે, અમારી સરકાર કેજરીવાલની ધરપકડના મામલામાં નજર રાખીને બેઠી છે અને અમે આશા રાખીએ છીએ કે આ કેસમાં ન્યાયી અને પારદર્શક કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે. કેજરીવાલના જેલવાસના સમયગાળા દરમિયાન કાયદા અને લોકશાહીનાં મૂલ્યોનું પાલન કરવામાં આવશે. ભારતે એ પછી અમેરિકાના રાજદ્વારીને બોલાવી આંતરિક મામલામાં માથું ન મારવા જણાવ્યું છતાં જગત જમાદારે કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ થયાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અમેરિકા કેજરીવાલની ધરપકડ અંગે નિવેદન આપનારો પશ્ર્ચિમનો બીજો દેશ છે. આ પહેલાં કેજરીવાલની 21 માર્ચે લિકર સ્કેમ કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી પછી 23 માર્ચે જર્મનીના વિદેશ મંત્રાલયે પણ કેજરીવાલની ધરપકડના પગલે ડહાપણ ડહોળીને કહેલું કે, કેજરીવાલ સામેનો કેસ ન્યાયી અને યોગ્ય રીતે ચાલવો જોઈએ અને કેજરીવાલની ધરપકડ પર અમે નજર રાખીને બેઠા છીએ.
વિદેશ મંત્રાલયનું વલણ બિલકુલ યોગ્ય છે કેમ કે કેજરીવાલનું શું કરવું એ નક્કી કરવા આ દેશમાં અદાલત બેઠેલી જ છે. ભારતમાં રાજકારણીઓ સત્તાનો દુરુપયોગ કરે છે અને સત્તાનો ઉપયોગ પોતાના હરિફોને પરેશાન કરવા કરે છે તેમાં બેમત નથી. કેજરીવાલની ધરપકડ પણ આ માનસિકતાનો ભાગ હોઈ શકે છે. ભાજપ સરકારે કેજરીવાલને પોતાના રાજકીય ફાયદા માટે જેલભેગા કર્યા એવું માની શકાય પણ કેજરીવાલ ખરેખર દોષિત છે કે નહીં એ ભાજપ સરકાર નક્કી નથી કરવાની. એ કોર્ટ નક્કી કરવાની છે અને કોર્ટ કાયદા પ્રમાણે વર્તે છે.
અમેરિકા અને જર્મની સહિતના દેશો કેજરીવાલ મુદ્દે જે બકવાસ કરી રહ્યા છે એ ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે એવી છે. આ દેશો પોતાને ત્યાં ચાલતા લોલંલોલની વાત કરતા નથી ને બીજા દેશોને જ્ઞાન પિરસે છે. અમેરિકા સહિતના પશ્ર્ચિમના દેશોમાં બધું કાયદા પ્રમાણે જ નથી થતું ને તેની ચિંતા એ લોકોએ કરવાની જરૂૂર છે, ભારતની નહીં.