યુપીની હારનો ટોપલો યોગી ઉપર ઢોળવો કેટલું યોગ્ય?
ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કોંગ્રેસના રાહુલ ગાંધીએ ભેગા મળીને ભાજપનો ઘડોલાડવો કરી નાખ્યો ત્યારથી ભાજપમાં ડખાપંચક ચાલે છે.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 62 બેઠકો જીત્યો હતો પણ આ વખતે સીધો 32 બેઠકો પર આવીને ઊભો રહી ગયો છે. બીજી તરફ 2019માં ગણીને 5 બેઠકો જીતનારી સમાજવાદી પાર્ટી સીધી 37 બેઠકો પર પહોંચી ગઈ જ્યારે કોંગ્રેસ એક બેઠક પરથી 6 બેઠકો પર પહોંચી ગઈ.
ભાજપે યુપીમાં આવાં પરિણામ આવશે એવું ધારેલું નહીં તેથી ભાજપના નેતા ઘાંઘા થઈ ગયા છે અને કોને બલિનો બકરો બનાવીને વેતરી નાખવો તેનું છેલ્લા દોઢ મહિનાથી ઘમ્મરવલોણું ચાલી રહ્યું છે. ભાજપે હારનાં કારણોની તપાસ માટે સમિતિ બનાવેલીને નરેન્દ્ર મોદીની વારાણસી તથા રાજનાથસિંહની લખનઊ સિવાયની બાકીની 78 લોકસભા બેઠકો પરથી રિપોર્ટ મંગાવેલા. આ બધી કડાકૂટને અંતે છેવટે યોગી આદિત્યનાથનો ઘડોલાડવો કરી નાખવો એવું નક્કી થયું હોય એવું લાગે છે પણ યોગી આદિત્યનાથ મચક આપવા તૈયાર નથી તેમાં ઘમાસાણ મચ્યું છે.
ભાજપમાં નરેન્દ્ર મોદીના રાજકીય વારસ બનવા માટે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે હરીફાઈ ચાલે છે તેથી અમિત શાહ યોગીને કટ ટુ સાઈઝ કરી દેવા માગે છે. તેના ભાગરૂૂપે શાહે પોતાના રમકડા જેવા નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ચાવી ચડાવીને મોકલેલા. કેશવ પ્રસાદે યોગીને ટાર્ગેટ કરીને કહ્યું કે, સંગઠન સરકાર કરતાં ઉપર છે અને કોઈ વ્યક્તિ કે સરકાર સંગઠનથી ઉપરના હોઈ શકે. દિલ્હીમાં ઉપરાછાપરી બેઠકો થઈ રહી છે અને યોગીનો કાંટો કઈ રીતે કાઢવો તેની વ્યૂહરચનાઓ વિચારાઈ રહી છે. ભાજપ ખરેખર યોગીને બદલે છે કે પછી યોગી સામે હથિયાર હેઠાં મૂકી દે છે એ જોવાનું છે પણ ભાજપ માટે શ્રેષ્ઠ વિકલ્પ વિધાનસભાની 10 બેઠકોની પેટાચૂંટણી પતી જવા દેવાનો છે.
થોડા સમય પછી જ યુપીમાં 10 વિધાનસભાની બેઠકોની ચૂંટણી છે. એ પહેલાં યોગીને છંછેડવા જતાં બધો ખેલ બગડી જાય એવું પણ બને તેથી ભાજપ હાઈકમાન્ડ અત્યારે ચૂપ રહે ને 10 બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામો પછી યોગીને કંઈ પણ કહે એ લોજિકલ છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં લોકો ભાજપ હારી જાય પછી યોગીને ખસેડવાની હિલચાલ શરૂૂ કરાય તો એ તાર્કિક પણ લાગે. બાકી અત્યારે યોગીને વધેરવા એ પોતાની નિષ્ફળતાનો ટોપલો બીજા પર ઢોળી દેવા જેવું છે.