મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરાવવા હિન્દુ સંગઠનો મેદાને
સનાતન ધર્મ સુરક્ષા બોર્ડની માગણી પણ ઊઠી, વિ.હિ.પ. દેશવ્યાપી અભિયાન છેડશે, સંઘ પણ તરફેણમાં
છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુ સંગઠનો તરફથી જોરશોરથી માગણી કરવામાં આવી રહી છે કે હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવામાં આવે. હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા લોકોએ કહ્યું છે કે, સરકારી નિયંત્રણ હેઠળના મંદિરોની પવિત્રતા અને શુદ્ધતા જાળવવી અશક્ય બની ગઈ છે. આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરને લઈને તાજેતરના લાડુ વિવાદે હિન્દુ સંગઠનોની આ માંગને વધુ તીવ્ર બનાવી દીધી છે.
લડ્ડુ વિવાદ બાદ આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે મંદિરો સાથે જોડાયેલા મુદ્દાઓ માટે સનાતન ધર્મ સુરક્ષા બોર્ડ બનાવવાની માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની માગણી સાથે દેશવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. વીએચપીનું કહેવું છે કે મંદિરો સરકારના નિયંત્રણ હેઠળ છે તે હકીકત મુસ્લિમ આક્રમણકારો અને વસાહતી બ્રિટીશ માનસિકતાનું પ્રતીક છે.
હિન્દુ સંગઠનોનું કહેવું છે કે દેશભરમાં લાખો મઠો અને મંદિરો છે જે રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ છે પરંતુ અન્ય ધર્મોના ધાર્મિક સ્થળો પર કોઈ કબજો નથી. તેમનું કહેવું છે કે આ હિંદુ ધર્મના અનુયાયીઓ સાથે ભેદભાવ કરવા જેવું છે અને દેશભરમાં અવાજ ઉઠાવવાની જરૂૂર છે.
આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે ભારતમાં ધાર્મિક સ્થળોનું સંચાલન કેવી રીતે કરવામાં આવે છે. મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના લોકો બોર્ડ અથવા ટ્રસ્ટ દ્વારા તેમના ધાર્મિક સ્થળો અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓનું સંચાલન કરે છે, જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના મુખ્ય ધાર્મિક સ્થળોના સંચાલનમાં સરકારની દખલગીરી છે.
ઘણા રાજ્યોએ ખાસ કાયદાઓ બનાવ્યા છે જે તેમને હિન્દુ મંદિરોના વહીવટ, તેમની આવક અને ખર્ચ પર નિયંત્રણ આપે છે. આ નિયંત્રણ બોર્ડ અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જેમાં સરકારના પ્રતિનિધિઓ હોય છે અથવા સરકારી અધિકારી દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવે છે. તમિળનાડુમાં મોટાભાગના હિન્દુ મંદિરો સરકારના નિયંત્રણ હેઠળ છે. અહીં રાજ્ય સરકારે હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ ડિપાર્ટમેન્ટ (એચઆર એન્ડ સીઇ)ની રચના કરી છે. તિરુપતિ મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને તે આંધ્રપ્રદેશ સરકારના નિયંત્રણ હેઠળ છે. મહત્વની વાત એ છે કે, ટીટીડીના વડાની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં લગભગ 30 લાખ ધાર્મિક સ્થળો છે અને તેમાં મોટાભાગના હિન્દુ મંદિરો છે.બ્રિટિશરો મંદિરોને વિશાળ સંપત્તિનો ભંડાર માનતા હતા અને સરકાર દ્વારા તેના પર નજર રાખવામાં આવતી હતી. આ માટે બ્રિટિશ સરકારે બંગાળ, મદ્રાસ અને મુંબઈ પ્રેસિડેન્સીમાં ઘણા કાયદા બનાવ્યા અને આ કાયદાઓ દ્વારા તેમને મંદિરોના વહીવટમાં દખલ કરવાનો અધિકાર મળ્યો. પરંતુ સામાન્ય લોકો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને તેની પાછળનું કારણ એ હતું કે ખ્રિસ્તી સરકાર હિન્દુ મંદિરોનું સંચાલન કરી રહી હતી.
1947માં ભારતની આઝાદી બાદ બ્રિટિશ સરકાર વાળી વ્યવસ્થા જ અમલમાં રહી અને 1925માં બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવેલા ખાસ હિન્દુ મંદિર અધિનિયમ હેઠળ સતત કાર્યરત રહી. આઈઆઈએમ બેંગ્લોરના સેન્ટર ઓફ પબ્લિક પોલિસીના પ્રોફિસર જી. રમેશ દ્વારા મંદિર વ્યવસ્થાપન વિશે લખેલા એક રિપોર્ટ મુજબ આ કાયદો અને ત્યાર પછીના સુધારાઓએ બોર્ડને મંદિરોના સંચાલનની દેખરેખ રાખવાની સત્તા આપી હતી અને કેટલાક કિસ્સાઓમાં તો મંદિરનું સંચાલન સંપૂર્ણપણે પોતાના હાથમાં લઇ શકતા હતા.
1959માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ સૌ પ્રથમ એવી માગણી કરી હતી કે મંદિરોનું નિયંત્રણ હિન્દુ સમુદાયને સોંપી દેવું જોઈએ અને આ અંગે ઠરાવ પસાર કર્યો હતો. જેને પગલે આરએસએસ સાથે જોડાયેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ કાશી વિશ્વનાથ મંદિરને લઈને એક પ્રસ્તાવ પાસ કર્યો હતો અને ઉત્તર પ્રદેશ સરકારને આ મંદિર હિંદુઓને પરત કરવા માટે પગલાં ભરવાનું કહ્યું હતું.
1988માં આરએસએસના અખિલ ભારતીય કારોબારી મંડળે ફરી આ માંગ ઉઠાવી હતી. આ પહેલા દક્ષિણ ભારતમાં મંદિરોના સરકારી નિયંત્રણ સામે વિરોધ પ્રદર્શન થયા હતા.વીએચપી 1970 ના દાયકાથી સતત આ મુદ્દો ઉઠાવી રહી છે. 2021માં તેણે આ અંગે ઠરાવ પણ પસાર કર્યો હતો. વર્ષ 2014માં ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની રચના બાદ હિંદુ સંગઠનોએ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવવાની માંગ ભારે જોરથી ઉઠાવી છે. ગયા વર્ષે તેલંગાણામાં એક ચૂંટણી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુ સરકાર પર હિન્દુ મંદિરોનો કબજો લેવાનો આરોપ લગાવ્યા બાદ તેમની માંગને વેગ મળ્યો હતો, આ આરોપને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને નકારી કાઢ્યો હતો.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ દ્વારા આ દિશામાં પગલા લેવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ સાંસદ સત્યપાલ સિંહે સંસદમાં પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. વર્ષ 2019માં ઉત્તરાખંડની ભાજપ સરકારે બોર્ડ બનાવીને ચાર ધામ મંદિરો અને અન્ય 49 મંદિરોનું સંચાલન એક બોર્ડ હેઠળ કરાવ્યું હતું. પરંતુ તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને પછી તેને રદ કરવો પડ્યો હતો. મધ્યપ્રદેશની ભાજપ સરકારે 2023માં મંદિરો પર રાજ્ય સરકારનું નિયંત્રણ ઘટાડ્યું હતું, જ્યારે કર્ણાટકની ભાજપ સરકારે પણ આવું કરવાની જાહેરાત કરી હતી પરંતુ તે પોતાના કાર્યકાળ દરમિયાન તેની સાથે આગળ વધી શકી ન હતી.
સરકાર પાસેથી મંદિરોની જવાબદારી લઈ લો: શંકરાચાર્ય
આંધ્રપ્રદેશના તિરુમાલા તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળ બાદ શરૂૂ થયેલો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. રાજકારણીઓથી લઈને પૂજારીઓ અને ફિલ્મી હસ્તીઓ પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. દરમિયાન શંકરાચાર્ય અધોક્ષજાનંદ દેવ તીર્થે બુધવારે (27 સપ્ટેમ્બર, 2024) નવી માંગણી કરી છે. તેમનું કહેવું છે કે મંદિરોના સંચાલનની જવાબદારી સરકારની હોવી જોઈએ નહીં. શંકરાચાર્યએ તિરુપતિમાં લાડુના પ્રસાદમાં થતી ભેળસેળની નિંદા કરી અને કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે મંદિરોનો વહીવટ સરકારોના હાથમાં નથી પરંતુ એક અલગ બોર્ડના હાથમાં છે. શંકરાચાર્યએ મથુરાના ગોવર્ધન ખાતે પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી તેમના પહેલા જ્યોતિર્મથ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ સનાતન બોર્ડની રચના કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે રાજકારણીઓએ ધર્મની બાબતોમાં દખલ કરવાની જરૂૂર નથી.