For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હરિયાણા-કાશ્મીરના પરિણામો ભાજપ માટે ચમત્કાર સમાન

12:01 PM Oct 09, 2024 IST | admin
હરિયાણા કાશ્મીરના પરિણામો ભાજપ માટે ચમત્કાર સમાન

હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બંને વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને આ પરિણામોએ રાજકારણની અનિશ્ર્ચિતતાને ફરી છતી કરી દીધી. સાથે સાથે એક્ઝિટ પોલ ભરોસાપાત્ર નથી એ ફરી સાબિત કરી દીધું. હરિયાણામાં કોંગ્રેસની સરકાર પાકી મનાતી હતી પણ પરિણામ કંઈક અલગ જ આવ્યાં ને ભાજપ હેટ્રિક કરીને ફરી સરકાર રચવાની સ્થિતિમાં છે. બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સરકાર આવી ગઈ છે અને ભાજપને પછડાટ મળી છે.

Advertisement

આ પરિણામો ભાજપ માટે ખરેખર સારાં છે અને કોંગ્રેસ માટે નિરાશાજનક છે કેમ કે બંને રાજ્યો ભાજપના હાથમાંથી જશે અને કોંગ્રેસ બંને રાજ્યો કબજે કરશે એવી હવા જામેલી હતી. તેના બદલે ભાજપ હરિયાણામાં સત્તા જાળવવામાં સફળ થયો છે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની સરકાર રચાવાની વાત જ નહોતી. હરિયાણાનાં પરિણામો ભાજપ માટે એ રીતે બોનસ છે કે હવે પછી યોજાનાર મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોનો જુસ્સો જળવાયેલો રહેશે. ભાજપ આ બે રાજ્યોમાં હારી ગયો હોત તો ભાજપનાં વળતાં પાણી શરૂૂ થઈ ગયાં છે, નરેન્દ્ર મોદીનો કરિશ્મા ખતમ થઈ ગયો છે એવી હવા જામી ગઈ હોત. રાજકારણમાં કાર્યકરો મહત્ત્વના છે ને કાર્યકરોમાં ઉત્સાહ ના હોય તો કોઈ પાર્ટી જીતી ના શકે એ જોતાં ભાજપના કાર્યકરોમાં હતાશા આવી ગઈ હોત તો તેની અસર બંને રાજ્યોમાં વર્તાઈ હોત ભાજપ આ હતાશાના મારમાંથી બચી ગયો છે. હરિયાણા નાનક઼ડું રાજ્ય છે પણ તેમાં ભાજપની જીત એ રીતે મોટી છે કે ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ન મળી પછી ભાજપ કઈ દિશામાં જવું એ અંગે અવઢવમાં હતો. મતલબ કે, ક્યા પ્રકારની વ્યૂહરચના અપનાવવી એ ભાજપે નક્કી કરવાનું હતું.

હરિયાણામાં ભાજપે હિંદુત્વનો રાગ ફરી આલાપવા માંડ્યો ને તેનાં પરિણામ ભાજપને મળ્યાં છે તેથી વિચારધારાની રીતે પોતે ક્યાં રહેવું તેની સ્પષ્ટતા ભાજપને થઈ ગઈ છે. આ પરિણામોએ એક્ઝિટ પોલની પોલ ફરી ખોલી દીધી. જમ્મુ અને કાશ્મીર તથા હરિયાણા એ બંને વિધાનસભા ચૂંટણીની 90-90 બેઠક માટે કરાયેલા એક્ઝિટ પોલ પૈકી મોટા ભાગના એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસની સરકાર રચાવાની આગાહી કરાઈ હતી અને કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચશે એવો દાવો કરાયો હતો જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમતી નહીં મળે એવી આગાહી થઈ હતી. હરિયાણામાં શરૂૂઆતનાં ટ્રેન્ડમાં કોંગ્રેસને 60 કરતાં વધારે બેઠકો મળી હોવાનું બતાવાયું ત્યારે લાગતું હતું કે, આ વખતે એક્ઝિટ પોલ સાચા પડી રહ્યા છે પણ ચૂંટણીનાં પરિણામ તેના કરતાં બિલકુલ અલગ આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના જોડાણને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે જ્યારે એક્ઝિટ પોલ કોઈને સ્પષ્ટ બહુમતી નહીં મળે એવી આગાહી કરતા હતા.

Advertisement

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યાં હતાં જ્યારે મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી અને ભાજપે એકલા હાથે ચૂંટણી લડી હતી.કેટલાક પોલમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચશે એવી આગાહી કરી રહ્યા હતા પણ 90 બેઠકોમાંથી કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનું જોડાણ 50 બેઠકોના આંકડાને પાર કરશે એવું કોઈએ કહ્યું નહોતું. ભાજપ પોતે સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચશે એવા દાવા જોરશોરથી કરતો હતો પણ કોઈ એક્ઝિટ પોલમાં ભાજપને 35 કરતાં વધારે બેઠકો અપાઈ નહોતી ને સ્પષ્ટ બહુમતીમાં ભાજપનો પનો ટૂંકો પડી જશે એવું એક્ઝિટ પોલ કહેતા હતા. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ પરિણામો કહીં ખુશી કહીં ગમ જેવાં છે. તેના કારણે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ રસપ્રદ બની ગઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement