મહારાષ્ટ્રમાં હારનું ઠીકરું પવાર-ઉધ્ધવ ઉપર ફોડતી કોંગ્રેસ
પક્ષના નિરીક્ષક પરમેશ્ર્વરે ખરાબ દેખાવ માટે સાથી પક્ષોને જવાબદાર ઠેરવ્યા, અમુક ઇવીએમ હેક થયાનો પણ આક્ષેપ
મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા જી પરમેશ્વરે એમવીએની હારનું ઠીકરું શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર ઢોળ્યો છે. તેમણે કહ્યું કે મહા વિકાસ અઘાડીમાં શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં યોજના મુજબ પ્રચાર કર્યો નહીં.
જી પરમેશ્વરે કહ્યું, લાડલી બહેન યોજના તેમના (મહાયુતી) માટે ખૂબ પ્રભાવશાળી રહી. તેમણે (મહાયુતી) છેલ્લા છ મહિનાથી આ આપવાનું શરૂૂ કર્યું. આ બધું તેમના હાથમાં છે. અમે છેલ્લે ટિકિટની જાહેરાત કરી અને પાર્ટીમાં ક્ધફ્યુઝન પેદા થઈ ગયું. શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે તાલમેલ યોગ્ય નહોતો. તેમણે યોજના મુજબ પ્રચાર જ કર્યો નહીં અને વિદર્ભે અમને વધુ બેઠકો આપી નહીં.
જી પરમેશ્વર મહારાષ્ટ્ર ચૂંટણીઓના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પર્યવેક્ષક પણ છે.તેમણે કહ્યું કે અમને વિદર્ભ ક્ષેત્રમાં ઓછામાં ઓછી 50 બેઠકોની આશા હતી, પરંતુ જ્યાં સુધી ઇવીએમ છે ત્યાં સુધી કોંગ્રેસ માટે ચૂંટણી જીતવી મુશ્કેલ હશે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને મહા વિકાસ અઘાડીએ ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું છે. આ બધા જાણે છે. અમે અને મહારાષ્ટ્રમાં અમારા કેટલાક નેતાઓ સાથે બેઠા અને વિશ્ર્લેષણ કર્યું.
જી પરમેશ્વરે કહ્યું, અમે અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ અને પૂર્વ મુખ્યમંત્રી સાથે બેઠક કરી અને અમને જાણવા મળ્યું છે કે ઇવીએમ હેક કરવામાં આવ્યા છે. દરેક મતદાર વિભાગમાં નહીં પરંતુ કેટલીક ચોક્કસ જગ્યાઓ પર. મારું માનવું છે કે ઇવીએમ હેક કરવામાં આવ્યા છે.
નિવૃત્તિની વાત પાછી ઠેલતા શરદ પવાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનસીપી શરદ પવારનું ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું. પાર્ટીના મુખ્યની ઉંમર જોતાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ હવે રાજકારણમાંથી નિવૃત્ત થઈ જશે. પરંતુ હવે આ અંગે તેમણે પોતે જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રના કરાડમાં શરદ પવારે કહ્યું, હું અને મારા સહકર્મીઓ નક્કી કરીશું કે મારે નિવૃત્ત થવું જોઈએ કે નહીં. બીજાઓ શા માટે કહી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને લાગેલા ઝટકા અંગે શરદ પવારે કહ્યું કે પરિણામો અપેક્ષા મુજબ નથી આવ્યા. કારણોનો અભ્યાસ કરીશું અને લોકો પાસે જઈશું.