હરિયાણામાં ગુજરાતવાળો પ્રયોગ સફળ, નાયબ સિંહ સૈનીનું નસીબ ખુલ્યું
કોંગ્રેસને આંતરિક અસંતોષ, ટિકિટ વહેંચણીમાં ખખડજંતર નડ્યું, ભાજપ હેટ્રિક નોંધાવવામાં સફળ
લોકસભા ચૂંટણી પહેલા જ્યારે નાયબ સિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે તમામ રાજકીય નિષ્ણાતોએ આ પ્રયોગને નિષ્ફળ ગણાવ્યો હતો. ભાજપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચૂંટણી પહેલા સીએમ બદલીને એન્ટી ઈન્કમ્બન્સીની અસર ઘટાડવાની યુક્તિ અજમાવી હતી. રાજકીય પંડિતોનું માનવું હતું કે હરિયાણાનો સ્વભાવ ગુજરાત કરતા અલગ છે, તેથી નાયબ સિંહ સૈની અહીં છ મહિના સુધી સીએમ તરીકે રહેશે. મતદાન બાદ ઓપિનિયન પોલે પણ આ અટકળોને સમર્થન આપ્યું હતું
જેમાં કોંગ્રેસને 55-60 બેઠકો મળવાનો અંદાજ હતો. 8 ઓક્ટોબરે આવેલા પરિણામોએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. ભાજપ 2019 કરતા વધુ સીટો પર લીડ લેતી જોવા મળી હતી. આ પરિણામ સાથે, નાયબ સિંહ સૈનીનું ભાગ્ય ચમકી ગયું છે.હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પહેલા, નાયબ સિંહ સૈની, સીએમ હોવા છતાં, એક અન્ડર-ડોગ તરીકે જોવામાં આવ્યા હતા. તેમની છબી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની નજીકની વ્યક્તિની રહી. જ્યારે હરિયાણા વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે રાજકીય પંડિતો સહિત અનેક વિશ્ર્લેષકોએ હરિયાણામાંથી ભાજપ બહાર થવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે સત્તા વિરોધી લહેર, કુસ્તીબાજો, ખેડૂતો અને સૈનિકોના મુદ્દાઓ પર આક્રમક અભિયાન ચલાવ્યું હતું.
રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી, ભૂપેન્દ્ર હુડ્ડા અને દીપેન્દ્ર હુડ્ડાએ સમગ્ર હરિયાણામાં નાયબ સિંહ સૈનીની સરકારને બેકફૂટ પર મૂકી દીધી. વોટિંગ બાદ એક્ઝિટ પોલમાં ભાજપને માત્ર 25-28 સીટો આપવામાં આવી હતી. આ પછી પણ સૈની પોતાના દાવા પર અડગ રહ્યા. ચૂંટણી પરિણામમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી રહી છે. આ જીત નાયબ સિંહની છબી બદલી નાખશે, તેની ખાતરી છે.ગુજરાતમાં પણ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલી નાખવાનો પ્રયોગ ભાજપ કરી ચૂક્યો છે, જ્યારે 2022માં વિજય રૂૂપાણીને હટાવી ભૂપેન્દ્ર પટેલને કમાન સોંપવામાં આવી હતી. સાથે મંત્રીમંડળના બધા ચહેરા બદલી નાખવામાં આવ્યા હતા. જ્યારે ટિકિટ વહેંચણીની વાત આવી તો 33 ધારાસભ્યોના પત્તા કાપી નાખવામાં આવ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી રૂૂપાણી અને દિગ્ગજ નેતા નીતિન પટેલને પણ ટિકિટ મળી નહીં. ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182 સભ્યોની વિધાનસભામાં ભાજપને 156 બેઠકો મળી હતી, જેને ગુજરાતમાં ઐતિહાસિક પરિણામ તરીકે જોવામાં આવે છે. ભાજપે હરિયાણામાં પણ આવું જ કર્યું. હરિયાણાથી મનોહર લાલ ખટ્ટરને કેન્દ્રમાં લઈ ગયા. નાયબ સિંહ સૈનીને ઓબીસી ચહેરા તરીકે સીએમ બનાવવામાં આવ્યા હતા. સૈનીએ યોજનાઓ માટે તિજોરી ખોલી નાખી. હરિયાણામાં પણ 16 ધારાસભ્યોની ટિકિટ રદ્દ કરવામાં આવી હતી. કોંગ્રેસમાં ટિકિટની વહેંચણીની સમસ્યા ચૂંટણી દરમિયાન લાંબા સમય સુધી ચાલી હતી.
ભાજપે તેના અસંતોષને કાબૂમાં લીધો. દરમિયાન, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણીને 36 વિરુદ્ધ 1 એટલે કે જાટ વિરુદ્ધ બિન-જાટનો રંગ આપવામાં આવ્યો હતો. દરમિયાન, કુમારી સેલજાની નારાજગીએ સંદેશ આપ્યો કે કોંગ્રેસ માત્ર ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને જાટ સમુદાય માટે છે. સેલજાને ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપીને, ભાજપે પોતાનો સંદેશ સ્પષ્ટ કર્યો કે બિન-જાટ મતદારોનું લક્ષ્ય ભગવા પક્ષ છે. અહિરવાલના મતદારોએ પણ ભાજપની પાછળ તેમની તાકાત લગાવી દીધી અને ભાજપ ત્રીજી વખત સત્તાની નજીક આવી, જે હરિયાણામાં એક રેકોર્ડ છે.