સરકાર વિષકન્યા જેવી, જેની સાથે જાય એને ડુબાડી દે: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમણે એક કાર્યક્રમમાં ચર્ચાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, દરેક કાર્ય સરકારના ભરોષે થતું નથી. મારો અભિપ્રાય છે કે જે પણ પક્ષ સરકારમાં હોય તેમને દૂર રાખો. સરકાર એક વિષક્ધયા જેવી છે, તે જેની સાથે જાય તેને ડુબાડી દે છે. તમે આ જાળમાં ન પડો.
નાગપુરમાં વિદર્ભ ઈકોનોમિકલ ડેવલોપમેન્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, મારા પુત્રએ મને પૂછ્યું કે 450 કરોડ રૂૂપિયાની સબસિડી ક્યારે મળશે. મેં કહ્યું કે, ભગવાનને પ્રાર્થના કરો, કારણ કે આમાં કોઈ વિશ્વાસ નથી. સબસિડી આપવામાં આવશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં. હવે લાડલી બહેન જેવી નવી યોજનાઓને કારણે સબસિડીના પૈસા ત્યાં પણ રોકાણ કરવામાં આવી રહ્યા છે, તેથી તેમાં વધુ વિલંબ થઈ રહ્યો છે.
ઉદ્યોગપતિઓને સલાહ આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહ્યું કે, પોતાના દમ પર યોજના બનાવો અને સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર ના રહો. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે પણ એવું જ થયું જ્યારે તેમને પાવર સબસિડી ન મળી અને તેમની ફેક્ટરીઓ બંધ થવાના આરે હતી. વિદર્ભ ક્ષેત્રમાં 500થી 1000 કરોડ રૂૂપિયાનું રોકાણ કરનારા રોકાણકારોની અછત છે, જેના કારણે અહીં મોટા પ્રોજેક્ટ્સ આવી રહ્યા નથી.