પહેલવાનો માટે ખુશખબર, ભારતીય કુસ્તી સંઘ પર પ્રતિબંધ હટાવતું UWW
ભારતીય પહેલવાનો માટે ખુશખબરી આવી છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે (UWW) મંગળવારે ભારતીય કુસ્તી સંઘ પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. UWWએ ગત વર્ષે 23 ઓગસ્ટનાં રોજ ભારતીય કુસ્તી સંઘની સદસ્યતાને સસ્પેન્ડ કરી હતી, કેમકે તેમણે ચૂંટણી કરાવી ન હતી. UWWએ હવે સસ્પેન્શન હટાવીને તાત્કાલિક સદસ્યતા મંજૂર કરી દીધી છે. UWWએ હાલમાં જ ભારતીય કુસ્તી સંઘના સસ્પેન્શનની સમીક્ષા કરી અને પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો.
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે નિવેદનમાં કહ્યું- UWW બ્યૂરોએ 9 ફેબ્રુઆરીએ અન્ય વિષયો ઉપરાંત સસ્પેન્શનની સમીક્ષા કરવા માટે બેઠક કરી અને તમામ વાતો અને સૂચનાઓ પર વિચાર કરતા કેટલીક શર્તોની સાથે પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો. ભારતીય કુસ્તી સંઘે પોતાના એથેલીટ કમિશનની ચૂંટણી ફરીવાર કરાવવી પડશે. આ કમીશન માટે ઉમેદવાર સક્રિય એથેલીટ હશે કે ચાર વર્ષથી વધુ સમયથી રિયાટર નહીં હોય. વોટર એથેલીટ જ હોવા જોઈએ. આ ચૂંટણી 1લી જુલાઈ, 2024 પહેલા ટ્રાયલ કે કોઈ સીનિયર નેશનલ ચેમ્પિયનશિપ દરમિયાન કરાવી શકાશે.
UWWએ વધુમાં કહ્યું- ભારતીય કુસ્તી સંઘને ટૂંક સમયમાં જ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગને લેખિત ગેરંટી આપવી પડશે કે તમામ પહેલવાનોને કોઈ ભેદભાવ વગર UWWની ઈવેન્ટ્સમાં વિશેષ રુપે ઓલિમ્પિક ગેમ્સ અને અન્ય મુખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આયોજન માટે ભાગ લેવાની અનુમતિ હશે. જેમાં તે ત્રણ એથેલીટ પણ સામેલ છે જેમણે પૂર્વ અધ્યક્ષના કથિત ખોટા કામોનો વિરોધ કર્યો હતો. UWW પહેલવાનોના સંપર્કમાં રહેશે.
મહત્વપૂર્ણ છે કે બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટના નેતૃત્વમાં પહેલવાનોએ લાંબુ આંદોલન કર્યું હતું, જે બાદ બ્રિજભૂષણ શરણ સિંહને પદ પરથી હટવું પડ્યું. બ્રિજભૂષણ હટ્યા બાદ તેમના નજીકના સંજય સિંહ ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ ચુંટાયા હતા. સંજય અધ્યક્ષ બન્યાને બે દિવસ બાદ ખેલ મંત્રાલયે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો કેમકે ખેલાડીઓએ સંજયસિંહનો પણ વિરોધ કર્યો હતો. તો ઓલિમ્પિકમાં રજત પદક મેળવનાર સાક્ષીએ સંજયનો વિરોધ કરતા કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.